બાંગ્લાદેશ પ્લેન ક્રેશ ન્યુઝ : ઢાકામાં સ્કૂલ પર ક્રેશ થયું લડાકૂ વિમાન, બાળકો સહિત 19 ના મોત

By: Krunal Bhavsar
21 Jul, 2025

Bangladesh Plane crash : બાંગ્લાદેશથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે એક દુ:ખદ અકસ્માત સર્જાયો, જેમાં બાંગ્લાદેશ વાયુસેનાનું એક તાલીમી લડાકૂ વિમાન ક્રેશ (Bangladesh Air Force training fighter plane crashed) થયું હતું, અને તે ઉત્તરા વિસ્તારમાં આવેલી એક શાળા પર જઈ ને પડતા ઘટના બની હતી , જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

આ દુર્ઘટના આજે બપોરે લગભગ 1:30 વાગ્યે ઉત્તરા વિસ્તારના માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં બની. મળી રહેલી માહિતી અનુસાર, બાંગ્લાદેશ વાયુસેનાનું FT-7BGI તાલીમી વિમાન શાળાના બિલ્ડિંગ સાથે અથડાયું, જેના કારણે વિમાનમાં આગ લાગી. આ અકસ્માત દરમિયાન શાળામાં વર્ગો ચાલી રહ્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, વિમાન શાળાની દીવાલ સાથે અથડાયું અને તરત જ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટનામાં વિમાનના પાયલટનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, ફાયર સર્વિસના અધિકારી લીમા ખાને જણાવ્યું કે ઓછામાં ઓછી 16 વ્યક્તિના મોત થયા છે અને 100 જેટલા લોકો ઘાયલ થયા છે.

રાહત અને બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ બાંગ્લાદેશના ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. બાંગ્લાદેશ આર્મીના સભ્યો પણ બચાવ કામગીરીમાં જોડાયા. ફાયર વિભાગના 8 વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે, જે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ પણ ઝડપથી પ્રતિક્રિયા આપી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં મદદ કરી. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, અને ઘટનાસ્થળે તણાવપૂર્ણ વાતાવરણ છે. જણાવી દઇએ કે, હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. બાંગ્લાદેશ આર્મીના જનસંપર્ક કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ક્રેશ થયેલું વિમાન F-7 પ્રકારનું તાલીમી વિમાન હતું, જે વાયુસેનાનું હતું. જોકે, વિમાન ક્રેશનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ શરૂ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

સ્થાનિક પ્રતિક્રિયા અને આગળના પગલા

આ ઘટનાએ ઉત્તરા વિસ્તારના રહેવાસીઓમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અકસ્માતનો અવાજ એટલો ભયંકર હતો કે લોકો ગભરાઈ ગયા હતા. શાળાના આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કાર્યમાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને ઊંડો આઘાત આપ્યો છે, અને ઘણા લોકો શાળામાં ફસાયેલા બાળકો અને સ્ટાફની સુરક્ષા માટે ચિંતિત છે. સૂત્રોની માનીએ તો આ દુર્ઘટના બાદ બાંગ્લાદેશ વાયુસેના અને સરકારી તંત્ર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. વિમાનના ક્રેશનું કારણ શોધવા માટે ટેકનિકલ ટીમો ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી છે. આ ઉપરાંત, ઘાયલોની સારવાર માટે હોસ્પિટલોમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટના બાંગ્લાદેશના ઇતિહાસમાં એક દુ:ખદ અધ્યાય બની રહેશે. સમગ્ર દેશ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યો છે, અને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યો છે.


Related Posts

Load more