ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થઈ ગયો છે. દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 1 વિકેટના નુકસાન પર 16 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની એકમાત્ર વિકેટ કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પડી છે. યશસ્વી જયસ્વાલ (6) અને શુભમન ગિલ (10) બીજા દિવસે ભારત માટે દાવની આગેવાની કરશે. આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 259 રન બનાવ્યા હતા. બોલિંગમાં ભારતીય ટીમ તરફથી વોશિંગ્ટન સુંદરે 7 વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડ સામે પુણે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. ટિમ સાઉથીએ રોહિત શર્માને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો આપ્યો હતો. રોહિત શર્માએ 9 બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં. આ રીતે ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ માત્ર 1 રનના સ્કોર પર પડી હતી.
ભારત વિરૂદ્ધ પુણે ટેસ્ટ મેચના પહેલા દિવસે ન્યુઝીલેન્ડનો દાવ 259 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સ્પિન બોલર વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સુંદરે 7 વિકેટ ઝડપી હતી. સુંદરે 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ અડધી સદી ફટકારી હતી.