ભારત-વેસ્ટ ઈન્ડીઝ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રમત ચાલુ છે. પ્રથમ સેશનમાં ભારતે પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 350 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ પર 200 રનની લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલી 46 રન બનાવીને અણનમ છે.
યશસ્વી જયસ્વાલ 171 રન બનાવીને આઉટ થયો હતો. તે અલ્ઝારી જોસેફ દ્વારા જોશુઆ દા સિલ્વાના હાથે કેચ આઉટ થયો હતો.
આ પહેલાં કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી નવોદિત ખેલાડીઓ એલિક એથાનાઝ, જોમેલ વોરિકન અને અલ્ઝારી જોસેફને એક-એક વિકેટ મળી હતી.
રોહિત-જયસ્વાલ વચ્ચે 229 રનની ઓપનિંગ ભાગીદારી
ભારતીય ટીમે મેચના બીજા દિવસે ગુરુવારે પોતાની પ્રથમ ઇનિંગ 80 રન સુધી લંબાવી હતી. 30 રનના અંગત સ્કોર પર રમવા ઉતરેલા રોહિત શર્માએ પોતાની ઇનિંગ્સમાં 73 રન ઉમેર્યા અને પોતાની ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી. ટેસ્ટમાં ઓપનિંગ કરતી વખતે આ તેની 7મી સદી છે. ત્રણેય ફોર્મેટ સહિત તેણે તેની 44મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.
ડેબ્યૂ મેચ રમી રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 229 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. રોહિત-જયસ્વાલે વેસ્ટઈન્ડીઝ સામે ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો. આ પહેલાં આ રેકોર્ડ સંજય બાંગર અને વીરેન્દ્ર સેહવાગના નામે હતો.