ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચને લઈ રવિવારે ભારત અને ગઈકાલે સોમવારે ઇંગ્લેન્ડ ટીમનું આગમન થતા રાજકોટ ક્રિકેટમય બની ગયું છે. આજે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતેથી નીકળી જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (ખંઢેરી) સ્ટેડિયમ ખાતે પહોંચી નેટ પ્રેક્ટિસ કરી હતી. આ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇંગ્લેન્ડ ટિમના કેપ્ટન બેન સ્ટોક, જૈક ક્રાઉલી, જેમ્સ એંડરસન, જો રૂટ, જોની બેયરસ્ટો સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.
રાજકોટ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર –
ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં સીરીઝમાં વાપસી કરી હતી અને જીત મેળવી હતી. હવે બંને ટીમો એકબીજાની બરાબરી પર છે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે. રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ શકે છે. જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી શક્યા ન હતા. રાહુલ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર છે. તેના સ્થાને દેવદત્ત પડિકલને ટીમમાં જગ્યા મળી છે.