IND vs ENG 4th T20I Live: ભારતીય ટીમે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે ખાતે રમાયેલી ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની અડધી સદીની મદદથી 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં સારી શરૂઆત છતાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 166 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી હતી.
182 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને બેન ડકેટ અને ફિલ સોલ્ટે સારી શરૂઆત અપાવી છે. ભારતને પ્રથમ સફળતા છઠ્ઠી ઓવરમાં મળી હતી. બેન ડકેટ 19 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ફિલ સોલ્ટ 21 બોલમાં માત્ર 23 રન જ બનાવી શક્યો હતો. અક્ષરે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. કેપ્ટન જોસ બટલર માત્ર બે રન બનાવી શક્યો હતો. લિયામ લિવિંગસ્ટોને 9 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે બેથલ સાથે પાંચમી વિકેટ માટે 19 બોલમાં 34 રનની ભાગીદારી કરી હતી. બ્રુક 26 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સુંદરે બ્રુક અને પછી કાર્સને આઉટ કર્યો. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે 35 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને બીજી જ ઓવરમાં ત્રણ ઝટકા લાગ્યા હતા. સાકિબ મહમૂદે સંજુ સેમસન (1) અને તિલક વર્મા (0)ને આઉટ કર્યા હતા. શાકિબે ઓવરના છેલ્લા બોલ પર સુકાની સૂર્યકુમાર યાદવને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તિલક પછી સૂર્યકુમાર પણ ખાતું ખોલાવી શક્યા ન હતા. ઓપનર અભિષેક શર્મા 19 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુ સિંહે 26 બોલમાં 30 રન બનાવ્યા હતા. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 53 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિક અને શિવમ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 45 બોલમાં 87 રનની ભાગીદારી થઈ હતી. શિવમ દુબે છેલ્લા બોલ પર 34 બોલમાં 53 રનના અંગત સ્કોર સાથે રનઆઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવની ટીમે કોલકાતા અને ચેન્નાઈમાં પ્રથમ બે મેચ જીતી હતી. જોકે ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.