India vs Australia 5th Test SCG Day 2 Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ હતી. આજે (4 જાન્યુઆરી) મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન બેટર પણ ટીમ ઈન્ડિયાના પેસર્સ સામે નબળી સાબિત થઇ રહી છે. કાંગારૂઓએ તેમના પ્રથમ દાવમાં લંચ સુધી 101 રનમાં 5 વિકેટો ગુમાવી દીધી હતી. પછી ટીમ ઈન્ડિયાના ફાસ્ટર બોલરોએ શાનદાર દેખાવ ચાલુ રાખતાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમને 181 રનમાં ઓલઆઉટ કરી દેતાં ટીમ ઈન્ડિયાને 4 રનની લીડ મળી હતી. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટો સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 ઝડપી હતી. જ્યારે કેપ્ટન બુમરાહ અને નીતિશ રેડ્ડીએ 2-2 વિકેટો ઝડપીને કાંગારૂઓની પહેલી ઈનિંગનું પતન કર્યું હતું. મેચમાં બુમરાહ ઈન્જર્ડ થઈ જતાં તેને સ્કેન માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ મેદાનમાં સુકાનીપદ સંભાળ્યું હતું.
કાંગારુઓને 181 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા તરફથી જયસ્વાલ અને કે.એલ.રાહુલ ઓપનર તરીકે મેદાને આવ્યા હતા અને બંનેએ તોફાની બેટિંગ શરૂ કરતાં પહેલી જ ઓવરમાં જયસ્વાલે મિચેલ સ્ટાર્કને 4 ચોગ્ગા ફટકારી દીધા હતા. જોકે 42 રન સુધી ટીમ ઈન્ડિયાએ તોફાની બેટિંગ જારી રાખી પણ રાહુલ બોલાંડની બોલિંગમાં ક્લિન બોલ્ડ થઈ જતાં ટીમ ઈન્ડિયાને બીજી ઈનિંગમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાની લીડ 46 રને પહોંચી ગઇ હતી. જોકે બોલાંડની ખતરનાક બોલિંગમાં યશસ્વી જયસ્વાલ પણ 22 રન કરીને બોલ્ડ થઈ ગયો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી 59 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઇ હતી. વિરાટ કોહલી ફરી એકવાર ફ્લોપ રહેતાં અગાઉ અનેકવાર કરેલી ભૂલોની જેમ જ આ વખતે પણ સ્લિપમાં કેચ આપી બેઠો. તે માત્ર 6 રન કરી આઉટ થઈ ગયો. આ સાથે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. 66 રનમાં 3 વિકેટો પડી જતાં હવે જવાબદારી પંત અને ગિલના માથે આવી ગઈ છે.
અત્યાર સુધીની મેચની હાઈલાઈટ…
ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગમાં ઋષભ પંતે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્માએ આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. ભારતે પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 184 રનથી શાનદાર જીત નોંધાવી હતી.
ઓસ્ટ્રેલિયન બેટિંગ કેવી રહી અત્યાર સુધી?
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી ખતરનાક બોલિંગ બુમરાહે કરી હતી. જેણે ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનને સસ્તામાં આઉટ કરી દીધા હતા. બંને 2-2 રન કરી શક્યા હતા. જ્યારે સિરાજે સેમ કોન્ટાસને 23 રને ચાલતો કર્યો હતો. જેના બાદ સ્ટીવ સ્મિથે બાજી સંભાળી હતી પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને પણ રાહુલના હાથે કેચ કરાવી 33 રને આઉટ કરી દીધો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પર હંમેશા ભારે પડતાં ટ્રેવિસ હેડને સિરાજે શિકાર બનાવતા તેને 4 રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો. લંચ બાદ મેચ ફરી શરૂ થતાં ટીમ ઈન્ડિયા પર કાંગારૂઓ ભારે પડી રહ્યા હતા પરંતુ અચાનક જ પ્રસિદ્ધ કૃષ્ણાએ સેટ થવા જઈ રહેલા એલેક્સ કેરીને 21 રને જ બોલ્ડ કરી દેતાં કાંગારૂઓની 138 રનમાં જ છઠ્ઠી વિકેટ પડી ગઈ હતી.
નીતિશ રેડ્ડીની શાનદાર બોલિંગ…
મેચ આગળ વધતાં બ્યુ વેબસ્ટરે 50 પૂરી કરી હતી. તે એકમાત્ર ટીમ ઈન્ડિયાનો પડકાર ઝીલી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પણ આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાને સાતમો ઝટકો લાગ્યો હતો. 164 રનમાં 7 વિકેટો પડી ગઈ હતી. પેટ કમિન્સને નીતિન રેડ્ડીએ આઉટ કર્યો હતો. ત્યારબાદ નીતિશ રેડ્ડીએ મિચેલ સ્ટાર્કને પણ સસ્તામાં આઉટ કરી દેતાં કાંગારુઓને 8મો ઝટકો આપ્યો હતો. મિચેલ સ્ટાર્ક 1 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ખતરનાક દેખાતો બ્યૂ વેબસ્ટરને 57 રને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાલતો કરી દેતાં ઓસ્ટ્રેલિયાની ટીમે 176 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સિરાજે બોલાન્ડને બોલ્ડ કરી દેતાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 181 રનમાં ભોંયભેગી થઈ ગઇ હતી.