સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની પહેલા દિવસની રમતની વાત કરીએ તો અત્યાર સુધીમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા દેખાઈ રહી છે. એક તો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મથી કંટાળીને પહેલાથી જ ટીમ બહાર થઇ ગયો હતો ત્યારે સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ આ મેચમાં કંઈ ખાસ કમાલ ન બતાવી શક્યો. તે 10 રને જ આઉટ થઈ ગયો હતો. તેના પછી કે.એલ રાહુલ પણ 4 રન બનાવીને બોલાન્ડનો શિકાર બની જતાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી હતી. જેના પછી રોહિતની જગ્યાએ ટીમમાં આવેલા શુભમન ગિલે પણ 20 રન બનાવીને વિકેટ ફેંકી દેતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ હતી. હાલમાં વિરાટ કોહલી મેદાને છે અને લંચનો સમય થઈ ગયો છે. ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર 57 રન થઇ શક્યો હતો અને તેના ટોપ ઓર્ડરના ત્રણ બેટર પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
કોહલીનું ફરી ‘ફ્લોપ’ પ્રદર્શન
જોકે લંચ બાદ રમત ફરી શરૂ થતાં વિરાટ કોહલીનું ફરી ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે પણ તે બોલાન્ડની બોલિંગમાં વેબસ્ટરને કેચ આપી બેઠો. ફરી એકવાર તેના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો. કોહલી છેલ્લી ઘણી ઇનિંગમાં લગભગ આ રીતે જ આઉટ થતો જોવા મળ્યો છે. જોકે રોહિત શર્મા વગરની ટીમ ઈન્ડિયાને આજે વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી જેના પર લગભગ પાણી ફરી વળ્યું છે. ટીમ ઈન્ડિયાએ 76 રનમાં 4 વિકેટો ગુમાવી દીધી હતી.