IND vs AUS 4th Test Updates Day 5 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આજે (30 ડિસેમ્બર) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં જેની સામે ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની એક જ ટેસ્ટ બાકી છે. આ સાથે એવું લાગુ છે કે ટીમ ઈન્ડિયાનું હવે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે.
ટીમ ઈન્ડિયાનો પરાજય
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઈન્ડિયાનો રકાસ અટકાવ્યો. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવીન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો. જે બોલાન્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો. જ્યારે તેના પછી પહેલી ઈનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઈન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 234 રન પર સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેના પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 114 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 474 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી.
ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ કેવી રહી?
લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે નવા બોલ પર મોટા શોટ મારવાનો પ્રયાસ કર્યો ન હતો. પરિણામે ભારતે 16 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે રોહિત જ્યારે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. રોહિત (9)ને પેટ કમિન્સે મિશેલ માર્શના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કોહલીનો ફરી ફ્લોપ શૉ
ચાર બોલ બાદ કમિન્સે કેએલ રાહુલને પણ પ્રથમ સ્લિપમાં ઉસ્માન ખ્વાજા દ્વારા કેચ આઉટ કરાવ્યો. રાહુલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલ પર ખ્વાજાના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની જૂની નબળાઈએ આ ઈનિંગમાં પણ તેનો પીછો છોડ્યો નહીં અને તે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થઈ ગયો.