IND vs AUS, Third Test match : બ્રિસ્બેનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. ગાબા ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પહેલા દિવસે માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે કોઈ પણ નુકશાન વિના 28 રન બનાવી લીધા છે. પહેલા દિવસે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ગાબા ટેસ્ટના બીજા દિવસે રમત અડધો કલાક વહેલી શરુ થશે. બીજા દિવસે એટલે કે રવિવારે 98 ઓવર નાખવામાં આવશે. જો કે, બીજા દિવસે પણ વરસાદનો ખતરો છે.
વરસાદ મેચ દરમિયાન સતત વિઘ્ન બન્યો
ભારતીય ટીમે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. છઠ્ઠી ઓવરમાં પહેલી વખત વરસાદને કારણે રમત અટકાવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી રમત ફરી શરૂ થઈ હતી. આ પછી 14મી ઓવરમાં વરસાદ વધી ગયો હતો. જેણે આગામી બે સેશનને બરબાદ કરી દીધા હતા. ટી બ્રેક દરમિયાન વરસાદ બંધ થઈ રહ્યો હોય તેવું લાગતું હતું, પણ એવું કંઈ ન થયું. પહેલા દિવસે 88 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસ પણ વરસાદની આગાહી
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારતીય ટીમ સીરિઝમાં લીડ મેળવવાના ઈરાદા સાથે ગાબાના મેદાનમાં ઉતરી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે સતત બે મેડન ઓવર નાંખીને ગાબા ખાતે ભારતની ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ પહેલા દિવસે વરસાદે રમતને બરબાદ કરી દીધી હતી. વરસાદના વિક્ષેપને કારણે બંને ટીમો ઘણી નિરાશ જોવા મળી હતી.
ટેસ્ટના પાંચેય દિવસની મજા બગાડી શકે છે વરસાદ
બીજા દિવસના હવામાનની વાત કરીએ તો પહેલા દિવસની જેમ 99 ટકા આકાશ ગાઢ વાદળોથી ઢંકાયેલું રહેશે. પરંતુ વરસાદ પડવાની 46 ટકા સુધી વરસાદની શક્યતા છે. જ્યારે વાવાઝોડાની સંભાવના 9 ટકા છે. ગાબા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 53 ટકા, ચોથા દિવસે 68 ટકા અને 18 ડિસેમ્બરે અંતિમ દિવસે 55 ટકા વરસાદની શક્યતા છે. વરસાદ ગાબા ટેસ્ટના પાંચેય દિવસની મજા બગાડી શકે છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ WTCમાં પહોંચશે ભારત? જાણો આખુ સમીકરણ
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર
ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. આર અશ્વિન અને હર્ષિત રાણાના સ્થાને રવીન્દ્ર જાડેજા અને આકાશદીપને ટીમમાં સ્થાન અપાયું છે.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન : ઉસ્માન ખ્વાજા, નાથન મૈકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ