ભારતીય ટીમ સુપર-8માં પોતાની પ્રથમ મેચ આજે એટલે કે 20 જૂન ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમશે. ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચેની આ ટક્કર કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ ખાતે થશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા બેસ્ટ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. રોહિત શર્માએ ગ્રુપ સ્ટેજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પરંતુ સુપર-8માં અફઘાનિસ્તાન સામેની ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળવાનું લગભગ નિશ્ચિત જણાય છે. આ પરિવર્તન મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવના રૂપમાં થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા મજબૂત કરશે સ્પિન વિભાગ, સિરાજ થશે આઉટ?
રોહિત બ્રિગેડે ન્યૂયોર્કમાં ગ્રુપ સ્ટેજની પ્રથમ ત્રણ મેચ રમી હતી જેમાં ઝડપી બોલરોને ઘણી મદદ મળી હતી. ત્યારબાદ ટીમની ચોથી મેચ ફ્લોરિડામાં રમાવાની હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મુખ્ય પેસરો સાથે હાર્દિક પંડ્યાનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો હતો, જેણે તેમને 4 ઝડપી બોલિંગ વિકલ્પો આપ્યા હતા.
હવે સુપર-8 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાની છે, જ્યાં સ્પિનરોનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે રમાનાર મેચમાં સ્પિન વિભાગને મજબૂત કરવા માટે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપને સામેલ કરી શકાય છે. કુલદીપના આગમન સાથે ટીમ ઈન્ડિયા પાસે ત્રણ સ્પિન વિકલ્પો હશે. ટીમમાં હાજર રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે પ્રથમ ત્રણ મેચ રમી હતી. હાર્દિક પંડ્યાની સાથે ટીમ પાસે 3 ફાસ્ટ બોલિંગ વિકલ્પ પણ હશે. આ રીતે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારથી ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરમાં કોઈ ફરક પડશે નહીં.
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.