Gujarat Students Maths Fear: સીબીએસઈના પગલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ છેલ્લા ચાર વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે ગણિતના પેપરોનો વિકલ્પ ધો.10ના વિદ્યાર્થીઓને આપવામા આવે છે ત્યારે 80 થી 90% વિદ્યાર્થીઓ બેઝિક ગણિત જ પસંદ કરીને તેમાં પરીક્ષા આપતા હોય છે. આ વર્ષે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા 7.81 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 61 હજાર વિદ્યાર્થીઓ જ નોંધાયા છે.
ધો.10માં મોટાભાગના વિદ્યાર્થીઓ બેઝીક ગણિતનો વિકલ્પ પસંદ કરે છે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.10માં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પેપરોની પરીક્ષા લેવામા આવે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મમાં બંને પેપરોનો વિકલ્પ આપવામા આવે છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરતા હોય છે. ગત વર્ષે ધો.10માં 6,35,866 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યુ હતું અને 70,097 વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યુ હતું. આ વર્ષે બેઝિક ગણિત પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા 7,81,741 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યુ છે. જ્યારે 61,264 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે.
ગત વર્ષે બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બંને ગણિતના પેપરો ખૂબ જ સરળ રહેતા વિદ્યાર્થીઓની પાસિંગ ટકાવારી વધવા સાથે રેકોર્ડબ્રેક વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા. જો કે તેમ છતાં હજુ પણ વિદ્યાર્થીઓમાં ગણિતનો ગભરાટ યથાવત છે. કારણકે આ વર્ષે બેઝિક ગણિત રાખનારા 1.45 લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે.
આ પણ વાંચો: ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ , અમદાવાદ મ્યુનિ.ના પૂર્વ-વર્તમાન કર્મચારીઓની સંડોવણીની ચર્ચા
ધો.10નું પરિણામ ઊંચુ આવતા રીપિટરની સંખ્યામાં ઘટાડો
આ વર્ષે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિતના વિવિધ માધ્યમાં રેગ્યુલર, રીપિટર,પૃથ્થક અને ખાનગી સહિતના કુલ મળીને 8.94 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં રેગ્યુલર એટલે કે ચાલુ વર્ષે ધો.10માં સ્કૂલે જતા નિયમિત વિદ્યાર્થીઓની કેટેગરીમાં 7,61,320 વિદ્યાર્થીઓ નોંધાયા છે.ગત વર્ષે 7,06,370 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ગત વર્ષે ધો.10નું પરિણામ ઊંચુ આવ્યુ હતું અને રીપિટરની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.