અતિભારે વરસાદથી ગુજરાતમા રસ્તાઓનો દાટ વળ્યો , માખણ જેવા રસ્તાઓમા ભૂવા પડયા

By: nationgujarat
28 Aug, 2024

વડોદરા શહેરમાં વરસાદી પાણી ભરાયા છે તો બીજી તરફ વડોદરા જિલ્લાના માર્ગોની હાલત દયનીય થઈ ગઈ છે. વડોદરા સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ રોડ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. કેટલાય એવા રસ્તાઓ છે જે વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ એવી રીતે ઉખડી ગયો છે જાણે JCBથી આખો રોડ ખોદી નાખ્યો હોય. રાજ્યમાં રોડ રસ્તાની શું છે હાલત જુઓ આ રિપોર્ટમાં…

વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જવાનો આ મુખ્ય રોડ છે.. ડભોઈના થુવાવી ગામ નજીક ભારે વરસાદના કારણે રોડના હાલ બેહાલ થઈ ગયા. થુવાવી ગા નજીક રોડ પરનું આખે આખું લેવલ જ ધોવાઈ ગયું. તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રોડ ધોવાઈ જવાના કારણે તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી. રાજયમાં 900થી વધારે રસ્તાઓ બંધ છે. જો તમે ક્યાંય પણ જવાનો પ્રયાસ ના કરતા નહીં તો રસ્તો બંધ હોવાની સમસ્યા ઉભી થશે.

રોડ તૂટી જવાની ઘટના બાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. રોડ તૂટી ગયા બાદ સમારકામની કામગીરી તો શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ, સવાલ એ છેકે, નજીવા પાણીમાં જ રોડ તૂટી ગયો તો આખરે તેની ગુણવત્તા કેવી હશે. ધારાસભ્ય શૈલેષ મહેતાનું કહેવું છે કે, અતિવૃષ્ટિના કારણે રોડ ધોવાયા છે. આ એક જ નહીં વડોદરાના જાંબુવા બ્રિજ રોડની પણ હાલત દયનીય થઈ ગઈ છે. વરસાદ બાદ રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા હતા. ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા એટલું જ નહીં રોડ પર વાહનોની અવર જવરને પણ અસર પડી હતી.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો હતો. રામેશ્વર એપાર્ટમેન્ટના રીડેવલોપમેન્ટ કામગીરી દરમિયાન ખાડા ખોદતી વખતે અન્ય જગ્યાએ ભૂવો પડ્યો. વિશાળકાય ભૂવો પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના કલોલ ખાતે વડસર કેનાલ રોડ પણ વરસાદમાં બેસી ગયો હતો. રોડના બે ભાગ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

રોડ તૂટવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં ભારે વરસાદના કારણે એક દિવસ પહેલાં જ રાજકોટ અમદાવાદ હાઈવે તૂટી ગયો હતો. રાજકોટથી અમદાવાદ આવતી સાઈડનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહારને પણ અસર પડી હતી. તૂટેલા આ રોડનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો. થોડા સમય પહેલાં જ રોડની કામગીરી કરવામાં આવી હતી..


Related Posts

Load more