ચૂંટણીપંચની તટસ્થતા સામે જ જયોર્જટાઉન યુનિવર્સિટીમાં સંબોધન સમયે પ્રશ્ર્ન ઉઠાવતા વિપક્ષના નેતા : સમગ્ર કાર્યક્રમ ભાજપને લાભકર્તા બનાવાયો હતો : તેઓ માટે જંગી નાણાકીય સ્ત્રોત હતા, ચૂંટણીના ત્રણ મહિના પહેલા અમારા બેંક ખાતા સ્થગિત કરાયા હતા : આરોપોની ઝડી વરસાવતા વિપક્ષના નેતા
જયોર્જટાઉન, તા. 10
અમેરિકાની મુલાકાતે ગયેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટા અને ગંભીર નિવેદનમાં ભારતમાં ચૂંટણી પંચની તટસ્થતા અને હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે જો ભારતમાં ચૂંટણી તટસ્થ અને ન્યાય રીતે થઇ હોત તો ભાજપ 246 બેઠકો પર જીતી શકયો ન હોત.
વિદેશ મુલાકાત સમયે વારંવાર વિવાદાસ્પદ વિધાનો કરનાર રાહુલ ગાંધીએ હવે લગાવેલા આરોપથી દેશમાં મોટો વિવાદ સર્જાય તેમ છે. અને પ્રથમ વખત વિપક્ષના કોઇ નેતાએ આ રીતે જાહેરમાં ચૂંટણીપંચની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.
જયોર્જટાઉન વિશ્વ વિદ્યાલયમાં રાહુલ ગાંધીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ચૂંટણી પહેલા જ અમે એ વાત પર વારંવાર કહી રહ્યા હતા કે દેશની સંસ્થાઓ પર કબ્જો થઇ રહ્યો છે અમારી પાસે તટસ્થ રમતનું મેદાન ન હતું અને તેમની પાસે (ભાજપ) મોટા નાણાકીય લાભ હતા. અમારા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ એ જ કરી રહ્યું હતું કે તેઓ (ભાજપ) ઇચ્છતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ તમામ બાબતો એક સાથે થવા લાગી હતી અને હુ માનુ છું કે ચૂંટણી નિષ્પક્ષ થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ મળી ન હોત. હું લોકસભા ચૂંટણીને એક સ્વતંત્ર નહીં પરંતુ નિયંત્રીત ચૂંટણીના સ્વરૂપમાં જોવું છું.
રાહુલ ગાંધીએ સીધો વડાપ્રધાન પર આરોપ મુકતા કહ્યું કે પુરૂ ચૂંટણી કાર્યક્રમ અને આયોજન એવી રીતે બનાવ્યું કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં તેમની વાત કહી શકે જે રાજયોમાં ભાજપ નબળો હતો તેને અલગ રીતે ચૂંટણી કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. રાહુલે ત્યાં સુધી કહ્યું કે દેશની શિક્ષા પ્રણાલી પર આરએસએસનો કબ્જો છે.
રાહુલ ગાંધી એ પણ કહ્યું કે, હું નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી પરંતુ તેને પોતાના વિચારો છે અને હું તેની સાથે સંમત થતો નથી. પરંતુ હું તેને ધિકકારતો નથી. તેનો એક અભિગમ જુદો છે, મારો અભિગમ જુદો છે. વોશિંગ્ટન ડીસીમાં રાહુલના કાર્યક્રમમાં સેંકડો વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. તેના આરએસએસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને ફકત એક જ વિચારધારા સાથે મતલબ છે જયારે હું થાળી, ચાવલ, દાલ, સબ્જી અંગે વિચારૂ છું.
તેઓ એમ માને છે કે ભારત એક જ વિચાર છે જયારે અમે માનીએ છીએ કે ભારત અનેક વિચારોનું બનેલું છે. રાહુલે અગાઉ ટેકસાસ યુનિ.માં પણ સંઘ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે મીડિયા અને તપાસ એજન્સીઓ પર તેમનો કબ્જો છે. મેં બંધારણનો પ્રશ્ન ઉઠાવ્યો અને લોકો સમક્ષ બંધારણ મૂકયું તો અચાનક જ લોકોને સમજાયું કે જો બંધારણ ખત્મ થઇ જશે.
તો ભારત પણ ખત્મ થઇ જશે. રાહુલ ગાંધી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે અને તેઓ આજે ભારત પરત આવે પછી મોટો વિવાદ સર્જાય તેમ છે. તેમણે ઉમેર્યુ કે લોકસભા ચૂંટણી પ્રચારના અડધા તબકકા બાદ વડાપ્રધાન મોદીને લાગ્યુ કે તે 300-400 બેઠકો મેળવી શકશે નહીં અને તેને પોતાને સીધા ભગવાન સાથે સંવાદ કરતા બતાવી દીધા અને ખુદને નોનબાયોલોજીકલ બતાવ્યા અમે જોયુ કે તેઓ માનસિક રીતે ભાંગી પડયા છે. મોદીનો પાવર ભાંગી પડયો છે. લોકસભા ચૂંટણીમાં અમારો સંદેશો પ્રેમ ફેલાવવાનો હતો, ધિકકાર નહીં.