Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ?

By: nationgujarat
21 Feb, 2024

Gujarat Weather Update: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી જાણે શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો તેમ ગરમી અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે અને તે બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, ગુજરાતનું હવામાન 5 દિવસ મુખયત્વે ડ્રાય રહેશે. આવનારા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં મોટો કોઇ ફેરફાર નહીં થાય પરંતુ આગામી બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જે બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળશે.  પવન અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 25થી 35 પ્રતિ કલાકની સ્પીડ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો જમીનના વિસ્તારની વાત કરીએ તો હવા ઉત્તર પશ્ચિમ દિશા ફૂંકાવવાની શક્યતા છે. આ સાથે અહીં 8થી 15 કિમી પ્રતિ કલાકની સ્પીડે હવા ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે જ્યારે હવા પૂર્વ દિશામાંથી ફૂંકાવવાની શરૂ થશે ત્યારે તાપમાનમાં ફરીથી વધારો નોંધાશે.

મંગળવારની રાતે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. બનાસકાંઠાના ધાનેરાના બાપલા, વાછોલ, કુંડી સહિતના વિસ્તારોમાં માવઠું, કમોસમી વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ હતી. માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.


Related Posts

Load more