Ahmedabad News : ગુજરાતમાં મારામારી, હત્યા, આપઘાત, અક્સમાત સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના નવરંગપુરામાં જૈન દેરાસરની સામે આવેલા કળશ રેસિડેન્સી નજીક ગત રવિવારે મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, માત્ર 30 રૂપિયાના ભાડાના સામાન્ય વિવાદને કારણે આરોપીએ પેસેન્જર પર ઇરાદાપૂર્વક બે વખત રિક્ષા ચડાવી દીધી હતી. આ ઘટનામાં પેસેન્જરને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. પોલીસે મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં રિક્ષા ચલાવતા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય ભાડાની તકરારમાં પેસેન્જરનું મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદના નવરંગપુરામાં ગત 20 એપ્રિલની સાંજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને નવરંગપુરા પોલીસે અનેક તપાસ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે 300 થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં મૃતક રસ્તા પર ચાલી રહ્યો હતો, તે દરમિયાન એક રિક્ષાએ તેને પાછળથી ટક્કર મારી હોવાનું જોવા મળ્યું હતું. રિક્ષાની ટક્કર વાગતા પીડિત વ્યક્તિ ઘટનાસ્થળે જ પડી ગયો હતો. તેવામાં રિક્ષા ચાલકે યુ-ટર્ન લીધો અને બીજી વાર પીડિત પર કાર ચલાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.