શું કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કરશે નવાજૂની,રાજનીતિમાં ચોમેર ચર્ચા

By: nationgujarat
25 Nov, 2024

અમદાવાદમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું શક્તિપ્રદર્શન યોજાશે.ભરતસિંહ સોલંકીના જન્મદિવસ પર આ શક્તિ પ્રદર્શન યોજવાનું આયોજન છે.. આ આયોજનના પુરાવા આપતું પોસ્ટ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર લાગ્યું છે. સમર્થકોએ પોસ્ટરમાં ભરતસિંહ સોલંકીને જનયોદ્ધા ગણાવ્યા છે.

શક્તિપ્રદર્શનમાં ભાગ લેવા માટે રાજ્યભરના કોગ્રેસ નેતાઓને આમંત્રણ અપાયું છે. તેમના જન્મદિવસ પર એટલે કે આવતીકાલે સરદાર પટેલ રિંગ રોડ પર શક્તિપ્રદર્શન કરાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોગ્રેસ દ્વારા ભરતસિંહનું શક્તિરપ્રદર્શન ખુબજ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ભરતસિંહ સોલંકીના કમબેકના પોસ્ટર્સ લગાવાઇ રહ્યા છે. જો કે આ બધા વચ્ચે મહત્વની વાત એ પણ છે કે ભરતસિંહના પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ નથી.

ભરતસિંહની રાજકીય સફર

ભરતસિંહ માધવસિંહ સોલંકીનો જન્મ 26 નવેમ્બર, 1953ના રોજ ગુજરાતના કોળી પરિવારમાં થયો હતો. ભરતસિંહ સોલંકીના પિતાનું નામ માધવસિંહ સોલંકી છે. તેમના પિતા માધવસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય વિદેશમંત્રી તરીકે કામગીરી બજાવી હતી. માધવસિંહ ત્રણ વખત ગુજરાના મુખ્યમંત્રી રહ્યા હતા. ભરતસિંહ સોલંકીની વાત કરીએ તો વર્ષ 1977માં વલ્લ્ભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી તેમણે બી.ઈ. સીવીલનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ રેશમાબેન સોલંકી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ આણંદ લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય તરીકે પણ સેવા આપી છે. વર્ષ 2004 થી 2014 સુધી તેઓ આણંદના સંસદ સભ્ય રહ્યા.યૂપીએ-2 દરમ્યાન તેઓ કેન્દ્રમાં પેયજળ અને સેનિટેશન મંત્રી પણ રહી ચૂક્યા છે. અગાઉ કેન્દ્રમાં રાજ્યકક્ષાના ઉર્જામંત્રી તરીકેની પણ કામગીરી સંભાળી છે. 2014માં તેઓ ભાજપના દિલિપભાઇ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા.

વિવાદોમાં રહ્યા છે ભરતસિંહ સોલંકી

ભરતસિંહ ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં ફસાતા રહ્યા છે. એમનો ઘરેલું ઝઘડો હોય કે પછી રામ મંદિર ઉપર કરેલી ટિપ્પણી. વિવાદોએ એમનો પીછો છોડવાનું નામ નથી લીધું. તેમણે ધોળકામાં આયોજિત કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે. ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે. એટલે રામને છેતરનારા આપણને કેમ ન છેતરે. રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા પરતું શિલા પર શ્વાન પેશાબ કરી ગયા. જેની જરાક પણ ચિંતા કરવામાં ન આવી.” તેમના આવા નિવેદનને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો અને હાબાળો થયો હતો.

યુવતી સાથે વીડિયો

ભરતસિંહ મસમોટા વિવાદમાં ત્યારે ફસાયા જ્યારે તેમનો અન્ય યુવતી સાથેનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમની પત્નીએ હોબાળો મચાવ્યો હતો.

સક્રિય રાજનીતિમાંથી બ્રેક લીધો હતો

પત્ની સાથેના વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજનીતિમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.. આ બ્રેક કેટલા સમયનો હશે તેને લઇને તેમણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી જો કે જરૂર પડયે કોંગ્રેસની પડખે ઉભા રહેવાની તેમણે વાત કરી હતી.. હવે તેઓ કમ બેક કરી રહ્યા છે ત્યારે એ જોવાનું રહેશે કે તેમનું કમબેક કોંગ્રેસને કેટલું ફળે છે.


Related Posts

Load more