Rajkot News: રાજકોટમાં ફરી એકવાર ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જી હા…રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. RMC અને શહેર ભાજપના કાર્યક્રમોમાંરામ મોકરિયાને નો-એન્ટ્રી લેવામાં આવ્યો છે. રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચના અપાઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી મળી છે.
રાજકોટમાં સાંસદ મોકરિયાને આમંત્રણ ન આપવાનો મામલે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ તમામ દાવાઓને ફગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મારા તરફથી આવી કોઈ સુચના અપાઈ નથા. છેલ્લા બે કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં મોકરિયાનું નામ નહોતું. નામ ન હોવા અંગે તપાસ કરવામાં આવશે. રામભાઈ અમારા વડીલ છે, તેની અવગણના ના હોય. સમગ્ર મામલે રાજકોટના ડેપ્યૂટી મેયરે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે મેયર નયનાબેન પેઢડિયાએ પણ જણાવ્યું હતું કે રામભાઈ અમારા વડીલ છે અને તેમને અમારા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાનું વિચારી પણ ન શકાઈ. તે એક સાચા બોલા હોવાથી ગમે તેને સાચી વાત જણાવી દેતા હોય છે અમે પણ તેને વડીલ માની સાંભળી લઈએ છીએ.
નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ અમારો પરિવાર છે. રામભાઈ મોકરિયા અમારા વડીલ છે. ભાજપમાં બધા પરિવારની જેમ જ કામ કરે છે. RMCના કાર્યક્રમની પત્રિકામાં રામભાઈનું નામ જ નથી. RMCના છેલ્લા 3 કાર્યક્રમની પત્રિકામાં નામ જ નથી.
શું છે સમગ્ર મુદ્દો?
બે અઠવાડિયા પહેલા યોજાયેલી એક બેઠકમાં સાસંદ રામભાઈ મોકરીયાએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને તતડાવ્યા હતા. ત્યારબાદ બંને જૂથોના ટકરાવમાં મોકરીયાને RMC અને ભાજપના કાર્યક્રમોમા એન્ટ્રી ન આપવાના આદેશ અંગે વાતો વહેતી થઈ હતી. પરંતુ હવે ભાજપમાં જૂથવાદનો નવો વણાંક આવ્યો છે. મોકરીયા અને શહેર પ્રમુખ બંને દ્વારા આવા આદેશ અંગે ઈનકાર કરતા વિરોધી જૂથ દાવ લઈ રહ્યાનો મુદ્દો ઉપસી રહ્યો છે.
ઘટનાક્રમની વાત કરીએ તો આંગણવાડીના લોકાર્પણના નિમંત્રણ કાર્ડમાંથી મોકરીયાનુ નામ ગાયબ થઈ ગયું હતું, જયારે અન્ય સાંસદનું નામ છપાયેલું હતું. શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ કહ્યું હતું કે, મેં રામભાઈ મોકરીયા મામલે કોઈ સૂચના આપી નથી. મને પણ પ્રદેશ તરફથી સૂચના આવી નથી. આ મુદ્દો કયાંથી ઉઠયો તે મારા ધ્યાનમાં નથી. રામભાઈ વડીલ છે અને તે કઈ કહે તો અમે તે સાંભળી લેતા હોઈએ છીએ. બીજી બાજુ સૂત્રો જણાવી રહ્યા છે કે રામભાઈ ભાજપના જૂથવાદને કારણે વિવાદમાં આવ્યા હોવાનું જણાય છે. તેમણે અગાઉના હોદ્દેદારો અને અત્યારના હોદ્દેદારો તેમજ મહાપાલિકાના કેટલાક પદાધિકારીઓની પ્રવૃતિઓ અંગે ટિપ્પણીઓ કરી હતી અને ત્યારથી આ જૂથ તેમની સામે પડેલું છે.