Gujarat Government: રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવતા નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જી હા…સરકારી અધિકારીઓ હવે વધુ સારી રીતે કરશે જલસા. સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં દોઢસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની નાસ્તા માટે વ્યક્તિગત ₹20 ની જગ્યાએ ₹50 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે બપોરનું કે રાતનું ભોજન વ્યક્તિગત 100 રૂપિયાની જગ્યાએ 250 રૂપિયા કરાયા છે. વાર્ષિક 10,000 રૂપિયાની જગ્યાએ 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા આતિથ્ય ખર્ચમાં પણ 150 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ માટે નાસ્તા માટે વ્યક્તિગત 15 રૂપિયાની જગ્યાએ 35 રૂપિયા કરાયા છે. નાયબ સચિવ કક્ષાના અધિકારીને ભોજન માટે ખર્ચની સત્તા નહીં. જ્યારે એડિશનલ કમિશનર કક્ષાના અધિકારી માટે આતિથ્ય વાર્ષિક ખર્ચ ₹5,000 માંથી વધારીને 12500 કરાયા છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની કક્ષાએ 15 રૂપિયાથી 35 રૂપિયા વ્યક્તિગત નાસ્તા માટેનો ખર્ચની મર્યાદા વધારવામાં આવી છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બપોરનું કે રાત્રી ભોજન વ્યક્તિગત 75ની જગ્યાએ વધારી 180 રૂપિયા કરાયા છે. જિલ્લાના વડા કે ખાતાના વડા માટે નાસ્તાની 10 રૂપિયાની મર્યાદા વધારી 25 કરાઈ છે. જ્યારે મહેમાનગતિ ખર્ચની મર્યાદા 3,000 રૂપિયા થી વધારી 7500 રૂપિયા કરાઈ છે.
ઉપર મુજબની મર્યાદા વર્ષ ૨૦૨૫-૨૬થી એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૨૫ થી લાગુ થશે. આ સત્તા મર્યાદા કરતા વધુ ખર્ચ ન થાય તે દરેક અધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે. જો કોઈ ખાસ કારણોને લીધે આ સત્તા મર્યાદા કરતા વધારે ખર્ચ થાય તો સત્તા મર્યાદાના 10% સુધી સુધીનો ખર્ચ સંબંધિત વિભાગના વડા, ખર્ચ વધારે થવાના કારણો ચકાસી મંજૂર કરી શકશે.
નાણાકીય મર્યાદાઓ નું પાલન થાય તે ખૂબ જ જરૂરી હોઇ ખર્ચ મર્યાદા કરતા વધારે ન થાય એ જોવાની જવાબદારી દરેક અધિકારીની રહેશે. આમ છતાં, કોઈ વિશિષ્ટ સંજોગોમાં ખર્ચ કરવાની સત્તા મર્યાદાના ૧૦% કરતાં વધારે ખર્ચ થયેલ હોય તો વિભાગો દ્વારા અલગ અલગ ફાઇલ રજૂ ન કરતાં દર વર્ષે ૧૫ એપ્રિલે આવા વધુ ખર્ચ થયેલ તમામ અધિકારીના કેસો એક જ ફાઇલ પર નાણા વિભાગને રજૂ કરવાના રહેશે. પરંતુ, તેમાં સત્તા મર્યાદા કરતા વધુ ખર્ચ થવાના ખાસ કારણોની દરેક અધિકારીવાઇઝ નોંધ કરી અને વિભાગના વડા દ્વારા પૂરતી ચકાસણી કયાં બાદ યોગ્ય લાગે તો જ નાણા વિભાગને રજૂ કરવાના રહેશે.
એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓને પણ હવે જલસા પડી જશે. તેઓ નાસ્તા અને ભોજન માટે વધારે ખર્ચ કરી શકશે. આ ઉપરાંત દરેક જિલ્લામાં કલેક્ટર-DDO કક્ષાના અધિકારીઓના નાસ્તાનો ખર્ચ પણ વધારી દેવામાં આવ્યો છે. કલેક્ટર-DDO કક્ષાના અધિકારીઓના ભોજનનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લાના વડા કે ખાતાના વડા માટેના નાસ્તાનો ખર્ચ પણ વધારવામાં આવ્યો છે. સાથે સાથે મહેમાનગતિ ખર્ચની મર્યાદા 3 હજારથી વધારીને સાડા સાત હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.