વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં બની આગની ઘટના

By: Krunal Bhavsar
13 Jul, 2025

Updated: Jul 13th, 2025

વડોદરા ન્યૂઝ : વડોદરાના પ્રતાપનગર-ડભોઇ રીંગરોડ ઉપર આવેલા ગાદલા બનાવવાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના પ્રકાશ માં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં લાગી આગ

વડોદરા શહેરના પ્રતાપનગર-ડભોઇ રીંગરોડ ઉપર ગણેશનગર નજીક આવેલા હરિભક્તિ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં શિવરંજની નામની કંપનીના ગોડાઉનમાં ઓચિંતા આગની ઘટના ઘટી હતી. ગોડાઉનમાં ગાદલા અને ઓશીકા સાથેનું રોમટીરીયલ આગની ચપેટમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

એક કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ

આગના બનાવને લઈને દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી, પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એકધારો પાણીનો મારો ચલાવી એક કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘટનાસ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગમાં ઓશીકા તથા ગાદલા બનાવવાની ફાઇબરની ગાસડીઓ સહિતની ચીજ વસ્તુઓ સળગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.


Related Posts

Load more