Buy Agricultural Land In Gujarat: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી બિનખેડૂત વ્યક્તિ ખેતીનની જમણી ખરીદી શકે તે માટે સરકાર લાંબા સમયથી વિચારના કરી રહી છે. પરંતુ હવે મહેસૂલ વિભાગે બનાવેલી કમિટી રિપોર્ટનો અભ્યાસ કરીને સરકારે આગળ વધવાનું નક્કી કર્યું છે.
બોગસ ખેડૂતોના કિસ્સા જોવા મળે છે
દેશના ઘણાં એવાં રાજ્યો છે કે જ્યાં બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે છે. તેથી ત્યાં બોગસ ખેડૂતોના કિસ્સા જોવા મળતા નથી. બીજીતરફ ગુજરાતમાં બોગસ ખેડૂતોના સંખ્યાબંધ કેસો સામે આવી રહ્યાં છે. આ પરિસ્થિતિને હળવી કરવા સરકારે કમિટી ઉપરાંત જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના નિષ્ણાંતોના અભિપ્રાયો લેવાનું શરૂ કર્યું છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઈન સેવાઓ માટે ફીડબેક સેન્ટરના નિર્માણ પ્રસંગે વિભાગના અધિક મુખ્યસચિવ ડો. જ્યંતિ રવિએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે તે માટે અમે સીએલ મીનાની અધ્યક્ષતામાં બનાવેલી કમિટીના રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યાં છીએ, કે જેમાં તેમણે જમીન સુધારણા સાથે અનેક સૂચનો કર્યા છે જે પૈકી બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવા એક સૂચનનો સમાવેશ થતો હતો. રાજ્ય સરકાર ટૂંકસમયમાં તેની જાહેરાત કરશે.
સુધારેલી જંત્રીનો અમલ પહેલા લોકોના પ્રતિભાવો લેવાશે
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નવી સુધારેલી જંત્રીના દરો ક્યારે જાહેર થશે તેની ઉત્સુકતા છે ત્યારે નવી સુધારેલી જંત્રીના અમલ અંગે તેમણે કહ્યું હતું કે સરકાર સ્તરે આ મુદ્દો આખરી વિચારણામાં છે. સુધારેલી જંત્રીનો અમલ કરતાં પહેલાં લોકોના પ્રતિભાવો જાણવામાં આવશે.
લેન્ડ ગ્રેબીંગ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે
મહેસૂલ વિભાગના નિર્ણયો અંગે તેમણે જણાવ્યું કે લેન્ડ ગ્રેબીંગ અંગે કલેક્ટરો સાથે તબક્કાવાર સમીક્ષા કરવામાં આવશે. સેટેલાઈટના પ્રયોગથી સરકારી જમીન પર થયેલા દબાણો શોધીને જવાબદારો સામે પગલાં લેવાશે. જે લોકો લાભ મેળવી રહ્યાં છે તેમની પાસેથી અભિપ્રાય માંગવામાં આવી રહ્યાં છે. તેમની સાથે સંવાદ કરી વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવા પ્રયાસ કરાશે.
મહેસૂલ વિભાગની ઓનલાઇન સેવામાં સુધારા
મહેસૂલ વિભાગની ઓનલાઇન સર્વિસમાં ઘણાં સુધારા કરવામાં આવી રહ્યાં છે. અત્યારે બિન ખેતી અરજી, હયાતિમાં હક્કદાખલની અરજી, વારસાઈ અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિત 36 સેવાઓ મેળવવા બાબતે લોકોના પ્રતિભાવો લેવાઇ રહ્યાં છે, જેના આધારે પોર્ટલની સેવાઓ સુધારવાની અને લોકોની મુશ્કેલી દૂર કરવાની કામગીરી થઇ શકશે.