ડીસામાં 21 લોકોના મોત બાદ જાગ્યું તંત્ર, તપાસ માટે કરી SITની રચના, શું મૃતકોને મળશે ન્યાય?

By: Krunal Bhavsar
01 Apr, 2025

ગુજરાતના વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે. બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ બાદ પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગતા 21 લોકોના મોત નિપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્ત માટે રૂપિયા 50,000 ની સહાયની જાહેરાત કરાઈ છે.                                                                                                                                            બનાસકાંઠાઃ ગુજરાતમાં ગેરકાયદે ચાલતી ફેક્ટરીઓ અને ફાયર NOC વગર ધમધમતાં ઉદ્યોગો માટે જીવની જરા પણ કિંમત હોય તેમ લાગતું નથી. બનાસકાંઠાના ડીસામાં જે ઘટના તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે નતો ધંધાદારીને કંઈ પડી છે, નતો અધિકારીઓને પડી છે. બધાને રસ છે માત્રને માત્ર પૈસામાં…પૈસા મળે પછી જેનું જે થવું હોય તે થાય. ડીસામાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં 21 જિંદગીઓ હોમાઈ ગઈ. માત્ર ફટાકડાના વેચાણની આ ફેક્ટરીમાં ગેરકાયદે પ્રોડક્શન થતું હતું. આ જ ગેરકાયદે પ્રોડક્શનમાં એક બ્લાસ્ટ થયો અને પછી જે થયું તેના માટે કોઈ શબ્દો નથી. સરકારે આ દુર્ઘટનાની તપાસ કરવા સમિતીની રચના કરી છે.

21ના મોત બાદ થશે તપાસ
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયગેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે. સરકારે આ દુર્ઘટનાની તપાસ કરવા માટે સમિતી રચી છે. સરકારે ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટીમાં સી.એલ સોલંકી DySP ડીસા વિભાગને મુખ્ય તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સભ્ય તરીકે વીજી પ્રજાપતિ, પોલીસ ઈન્સ્પેક્ટર, એજી રબારી, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ બી રાજગોર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને એનવી રહેવર, પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ખાસ તપાસ ટીમ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી પોતાનો રિપોર્ટ પરત કરશે.                                                                                                                 કામ કરવા આવ્યા અને મળ્યું મોત
કોઈનો હાથ કપાઈ ગયો, કોઈનો પગ કપાઈ ગયો…કોઈએ હંમેશા માટે વિદાય લીધી…તો કોઈ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. શરીર આખુ બળી ગયું છે. આ એ લોકો છે જેમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ જિંદગીનું ગાડુ આગળ વધારવા ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતાં હતા…તેમને શું ખબર હતી કે આ ગેરકાયદે ચાલતી કંપનીના માલિક અને જ્યાં ફેક્ટરી બનેલી છે ત્યાંના અધિકારીઓ મોતનો ખેલ ખેલી રહ્યા હતા?…તેમને ખબર નહતી કે પૈસા કમાવવા માટે આ લોકો મોતની ફેક્ટરી ચલાવી રહ્યા હતા…

ગેરકાયદે ચાલતી ફેક્ટરી
હચમચાવી મુકે તેવા દ્રશ્યો અને તેનાથી વધારે હચમચાવી મુકે તેવી આ ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે…GIDCમાં ચાલતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલ ફાટ્યા અને પછી એવી આગ લાગી કે તેમાં એક-બે નહીં પણ અનેક જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ…જે મોતને ભેટ્યા તે તમામ લોકો મધ્યપ્રદેશના શ્રમિકો હતા…આ શ્રમિકો બે પૈસા કમાવવા માટે બે દિવસ પહેલા જ કંપનીમાં આવ્યા હતા…આ કંપનીએ લાયસન્સ માત્ર ફટાકડા સ્ટોર કરવાનું લીધું હતું એટલે કે ફટાકડાનું વેરહાઉસ હતું…અને હા, આ લાયસન્સની તારીખ પણ પત્તી ગઈ હતી એટલે કે રિન્યુ થયું જ નહતું.


Related Posts

Load more