Ola-Uber જેવી ‘સરકારી ટેક્સી સર્વિસ’ ટૂંક સમયમાં શરૂ થશે, મુસાફરો અને ડ્રાઇવરોને થશે ફાયદો

By: nationgujarat
27 Mar, 2025

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ઓલા અને ઉબેર જેવી સહકારી ટેક્સી સેવા શરૂ કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સંસદમાં આ અંગેની જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે ભારત સરકાર ઉબેર અને ઓલા જેવી ઓનલાઈન કેબ સેવાઓ માટે સહકારી રીતે સંચાલિત વિકલ્પો રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સહકાર મંત્રી શાહે લોકસભામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સહકાર દ્વારા સમૃદ્ધિનું વિઝન માત્ર એક સૂત્ર નથી પરંતુ એક મિશન છે, જેને સરકાર ઝડપથી આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં સહકાર મંત્રાલય છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ વિઝનને સાકાર કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યું છે.

અમિત શાહે જાહેરાત કરી હતી કે, “આવતા મહિનાઓમાં અમે ઉબેર અને ઓલા જેવી મોટા પાયે સહકારી ટેક્સી સેવા શરૂ કરીશું.”

આ ટેક્સી સેવામાં ટુ-વ્હીલર ટેક્સી, ઓટો-રિક્ષા અને ફોર-વ્હીલર સહિત વિવિધ પરિવહન વિકલ્પોનો સમાવેશ થશે. ખાનગી કંપનીમાં, નફો મોટાભાગે વ્યવસાય માલિકોને પહોંચે છે. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સહકારી મોડલમાં આવક સીધી ડ્રાઇવરો સુધી પહોંચશે.

એપ દ્વારા જોડાઈ શકે છે ડ્રાઇવરો

એવું માનવામાં આવે છે કે દેશભરના મોટા શહેરોમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવી શકે છે. અન્ય કેબ સેવાઓની જેમ ડ્રાઈવરો પણ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે અને રોજગાર મેળવી શકશે. કેન્દ્ર સરકારના સહયોગને કારણે વાહનચાલકો સરળતાથી આ સેવામાં જોડાશે. આ ઉપરાંત મુસાફરોને આકર્ષવામાં પણ સરળતા રહેશે. તેથી, સહકારી ટેક્સી સેવા શરૂ થયા પછી, ઉબેર, ઓલા અને અન્ય કેબ સેવાઓ વચ્ચે સ્પર્ધા વધી શકે છે.

ડ્રાઈવરોની આવક વધશે!

ઓલા અને ઉબેર જેવા વચેટિયાઓને બદલે, આ મોડલ ડ્રાઇવરોની આવકમાં વધારો કરી શકે છે અને મુસાફરો માટે વધુ સસ્તું ભાડું પણ પ્રદાન કરી શકે છે.


Related Posts

Load more