Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આવતીકાલ મંગળવારથી લીલી પરિક્રમાં શરૂ થશે જે 15 નવેમ્બર સુધી ચાલશે. લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં હાલાકી ન પડે તે માટે સેંકડો લોકોએ એક દિવસ પૂર્વે જ પરિક્રમા શરૂ કરી દીધી છે.
એક દિવસ પહેલા જ ઉમટી પડ્યો ભાવિકોનો પ્રવાહ
ગિરનારની લીલી પરિક્રમાનો આવતી કાલે મંગળવારે દેવી ઊઠી અગિયારસની મધ્યરાત્રીએ વિધિવત પ્રારંભ થાય છે, ત્યારે અગાઉથી જ ભાવિકોનો પ્રવાહ આવવાનો શરૂ થયો છે. જેમાં પિરક્રમાર્થીઓએ એક દિવસ પૂર્વે જંગલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે તળેટી વિસ્તારમાં અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજી રહ્યો છે. પોણા લાખથી વધુ લોકોના આગમનથી તળેટી વિસ્તારમાં મેળા જેવો માહોલ સર્જાયો છે. ભવનાથ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં વાહનોના ખડકલો જોવા મળ્યો. આગોતરી પરિક્રમા માટે ભીડ ન થાય તેથી રૂપાયતન રોડ પર જ પોલીસ દ્વારા બેરિકેટ લગાવી પરિક્રમાર્થીઓને ભવનાથ તળેટીમાં પરત મોકલવામાં આવી રહ્યા છે, જેથી લાલ ઢોરી પાસે આ વખતે જૂજ લોકો જોવા મળી રહ્યા છે.
લીલી પરમિક્રમામાં આશરે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે, ત્યારે તેમના ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર 50થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. આ આયોજકો પાસેથી તેઓ પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરે તેવી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી છે.