ગુજરાતની વિરાસત સમા ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ, સમૃદ્ધ હસ્તકલાને મળશે વૈશ્વિક ઓળખ

By: nationgujarat
29 Nov, 2024

Gharchola GI Tag: ગુજરાત રાજ્ય પોતાની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જેમાંથી 22 GI ટેગ એકલા હસ્તકલા ક્ષેત્ર માટે મળ્યા છે. ત્યારે હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને GI ટેગ આપ્યો છે. આ સાથે ગુજરાતને મળેલા કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલા ક્ષેત્રે આ 23મો GI ટેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા છે.જણાવી દઈએ કે, ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે.

ભારત સરકાર તરફથી મળ્યો GI ટેગ : ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત “જીઆઈ એન્ડ બિયોન્ડ–વિરાસત સે વિકાસ તક” કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન “ઘરચોળા હસ્તકલા”ને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ગરવી ગુર્જરીના પ્રયાસો થકી શક્ય બનેલ છે.

ઘરચોળા વિશ્વ કક્ષાએ ચમકશે: ઘરચોળા માટે GIની માન્યતા, પોતાના કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ GI ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે.

વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ યોજના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલી વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ઓડીઓપી) યોજનાને કારણે GI ઉત્પાદનોનો બહોળો પ્રચાર-પ્રસાર થયો છે. મુખ્યમંત્રીના આ વિઝનને આગળ ધપાવતા કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી દ્વારા આ GI ટૅગ્સ મેળવવા માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવે છે.

ઘરચોળા હિન્દુ-જૈન સમાજના પ્રસંગોમાં પહેલી પસંદ: ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનરૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનીક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માગમાં પણ ઘણો સુધારો થયો છે. નિગમના ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળા સાડીઓનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.

GI ટેગ માત્ર હસ્તકલાની પ્રામાણિકતા અને વિશિષ્ટતાને જ રેખાંકિત નથી કરતું, પરંતુ વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કરવા માટે એક મૂલ્યવાન માર્કેટિંગ સાધન પણ પૂરું પાડે છે. જીઆઇ ટેગ ગ્રાહકોને સંબંધિત પ્રોડક્ટના મૂળની ખાતરી આપે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે તેઓ અસ્સલ અને જિલ્લા-વિશિષ્ટ હસ્તકલા ખરીદી રહ્યા છે. તે સ્થાનિક કારીગરોની કુશળતા અને પરંપરાઓને મૂર્તિમંત કરે છે.

હસ્તકલા સેતુ યોજના : ઘરચોળા સાડી ઉપરાંત, હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થતી કલા “સાડેલી”, બનાસકાંઠાની “સુફ” એમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની “સુજની” હસ્તકલા તેમજ અમદાવાદની “સૌદાગીરી પ્રિન્ટ” અને “માતાની પછેડી” હસ્તકલાને GI ટેગ્સ આપવામાં આવ્યા છે. આ હસ્તકલાઓની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવામાં કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના કમિશનરના અવિરત પ્રયાસો મહત્વપૂર્ણ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દ્વારા આ GI ટેગ્સ પ્રાપ્ત ઉત્પાદનોને G-20 અને વાયબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પધારેલા મહાનુભાવોને ભેટ-સોગાદરૂપે આપીને, આ ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ આપવામાં આવી છે.

GI ટેગ્સ પ્રાપ્ત કરવા ઉપરાંત, ગરવી ગુર્જરી GI-પ્રમાણિત ઉત્પાદનોને મહત્તમ માર્કેટ એક્સપોઝર પ્રદાન કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. બજારની તકોનું વિસ્તરણ કરીને, નિગમનો હેતુ કારીગરોની આર્થિક તકોને વધારવાનો અને સમકાલીન જીવનશૈલીમાં ગુજરાતની પરંપરાગત હસ્તકલાના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.


Related Posts