પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક નિર્ણય લીધો છે. આનાથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા બાદ સર્જાયેલી સ્થિતિ અને ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પાકિસ્તાને ઘણા નિર્ણયો લીધા છે.
સિંઘુ જળ સંધિ પર રોક નહી લગાવી શકે
પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ સિંધુ જળ સંધિને રોકવાના ભારતના પગલાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. પાકિસ્તાને કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેને ભારત એકલું સ્થગિત કરી શકે નહીં. પાકિસ્તાનના લોકો માટે આ લાઈફલાઈન છે અને તેની સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. આ સાથે પાકિસ્તાને સ્પષ્ટ ધમકી આપતા કહ્યું કે જો ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી અટકાવશે અથવા વાળશે તો તેને યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે અને તેનો સંપૂર્ણ રાષ્ટ્રીય બળ સાથે જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાને ભારત પર આંતરરાષ્ટ્રીય નિયમો અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાનની અંદર આતંકવાદ ફેલાવે છે. તે કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરે છે અને ત્યાંના લોકોને ત્રાસ આપે છે. પાકિસ્તાને કહ્યું કે તેની પાસે શિમલા કરાર સહિત ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનો અધિકાર છે.
પાકિસ્તાની એરસ્પેસ ભારતીય વિમાનો માટે બંધ
દરમિયાન, પાકિસ્તાને ગુરુવારે ભારતીય ફ્લાઇટ્સ માટે તેની એરસ્પેસ અને વાઘા બોર્ડર બંધ કરી દીધી હતી. પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપારને પણ સ્થગિત કરી દીધા હતા અને કહ્યું હતું કે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને ઉપલબ્ધ પાણીને રોકવા અથવા વાળવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધનું કૃત્ય હશે. વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ જાહેરાતો કરવામાં આવી હતી.
શરીફે ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક યોજી હતી
પહેલગામ હુમલા બાદ ભારતની કડક કાર્યવાહીને ધ્યાનમાં રાખીને શરીફે સરકારના મુખ્ય પ્રધાનો અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી)ની બેઠક બાદ જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કોઈપણ જોખમનો દરેક રીતે મજબૂત જવાબ આપવામાં આવશે. નિવેદન અનુસાર, પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને “અસ્વીકાર” કર્યો અને કહ્યું કે તે 240 મિલિયન પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે.