Championship Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયામાં ડખો થયો છે. ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હોવાના અહેવાલો મળ્યા છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને ચીફ સિલેક્ટર વચ્ચે શ્રેયસ અય્યરને લઈને કોઈ સમજૂતી થઈ નથી. વિકેટકીપરની પસંદગીમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની પસંદગી દરમિયાન અગરકર અને ગંભીર વચ્ચે શ્રેયસ અય્યરને ટીમમાં રાખવા અને બીજા વિકેટકીપરના સ્થાનને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીના હેડ અજીત અગરકરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી ત્યારે તેણે દાવો કર્યો હતો કે ઋષભ પંત પ્રથમ પસંદગીનો વિકેટકીપર છે. પરંતુ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં પંત એકમાત્ર એવો ખેલાડી હતો જેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. છેલ્લી વનડે મેચ બાદ ગૌતમ ગંભીરે પણ સ્પષ્ટતા કરી હતી કે, કે કે.એલ રાહુલ ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર છે.
છેલ્લી વનડે મેચ બાદ ગંભીરે કહ્યું હતું કે, રાહુલ અત્યારે અમારો નંબર વન વિકેટકીપર છે. ઋષભ પંતને રમવાની તક મળશે પરંતુ અત્યારે રાહુલ સારું પ્રદર્શન કરી રહ્યો છે. મેચમાં બે વિકેટકીપર એક સાથે રમી શકતા નથી. મિડલ ઓર્ડરને લઈને પણ મૂંઝવણ છે. શ્રેયસ અય્યરને પણ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં તક મળવાની ન હતી. પરંતુ વિરાટ ઘાયલ થયા બાદ તેને તક આપવામાં આવી હતી. અય્યરે પોતે આ વાત કહી હતી. જ્યારે બે મેચમાં, અક્ષર પટેલને મીડલ ઓર્ડરમાં કેએલ રાહુલની પહેલાં બેટિંગ કરવા મોકલ્યો હતો. જેની પાછળનું કારણ લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ કોમ્બિનેશન હતું.
વાઈસ કેપ્ટન મામલે પણ મતભેદ
ટીમના વાઈસ કેપ્ટન મામલે પણ ગૌતમ ગંભીર અને અજિત અગરકર વચ્ચે મતભેદો થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, હેડ કોચ ગૌતમ ગંભીર શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવાના પક્ષમાં ન હતાં. ગંભીરનું માનવુ હતું કે, હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવે, જ્યારે અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા આ નિર્ણયથી સહમત ન હતાં.બંને ગિલને વાઈસ કેપ્ટન બનાવવા માગતા હતાં. ચેમ્પિયન્સ ટ્રોફી 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ રમવાની છે. આવી સ્થિતિમાં, આ વિવાદ ક્રિકેટ પર્ફોર્મન્સ પર અસર કરશે કે કેમ તેની ચિંતા ટીમ ઈન્ડિયાના ચાહકોમાં વધી છે.