મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા, પોલીસે બે લોકોની કરી ધરપકડ

By: nationgujarat
13 Oct, 2024

Baba Siddique Murder : મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

પોલીસે બે લોકોની કરી ધરપકડ

આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.


Related Posts

Load more