શું ખરેખર એલિયન્સ છે ? વૈજ્ઞાનિકો શું કહે છે આ બાબતે જાણો

By: nationgujarat
18 Apr, 2025

Alien Life ‘Found’ 120 Light Years From Earth : એલિયન એટલે કે બાહ્યાવકાશી જીવોમાં માનવજાતને હંમેશથી વિશેષ રસ રહ્યો છે. વિશાળ બ્રહ્માંડમાં એકમાત્ર આપણી પૃથ્વી પર જ જીવન ખીલ્યું હોય, એવું માની લેવાનું કોઈ કારણ નથી. અને એની સાબિતીરૂપ શોધો અવારનવાર થતી રહે છે. તાજેતરમાં આવી જ એક શોધ સામે આવી છે. ભારતીયો માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ શોધનું શ્રેય એક ભારતીય વિજ્ઞાનીને મળી રહ્યું છે.

શેની શોધ થઈ?

વિજ્ઞાનીઓની ટીમે પૃથ્વીથી 120 પ્રકાશવર્ષ દૂર એક એવો ગ્રહ શોધી કાઢ્યો છે જેના પર જીવન સંભવ હોવાની શક્યતા છે. સિંહ નક્ષત્રમાં સ્થિત એ અતિ દૂરના એક્ઝોપ્લેનેટને K2-18b એવું નામ આપવામાં આવ્યું છે. આ ક્રાંતિકારી શોધનું નેતૃત્વ ભારતીય મૂળના કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. નિક્કુ મધુસૂદને કર્યું છે. નાસાના ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ (JWST) ના ડેટાનો ઉપયોગ કરીને સંશોધકોએ એક્ઝોપ્લેનેટના વાતાવરણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ જેવા કાર્બન-સમૃદ્ધ અણુઓ શોધી કાઢ્યા હતા, જે જીવન પાંગરવા માટેની પાયાની જરૂરિયાત ગણાય છે.

K2-18b પર કેવી સ્થિતિ છે? 

K2-18b એ એક સબ-નેપ્ચ્યુન એક્ઝોપ્લેનેટ છે, જે લાલ વામન તારા (red dwarf star) K2-18 ની પરિક્રમા કરે છે. સબ-નેપ્ચ્યુન એક્ઝોપ્લેનેટ એટલે એવો ગ્રહ જે આપણી સૂર્યમાળાની બહારનો હોય અને કદમાં નેપ્ચ્યુન કરતાં નાનો હોય. પૃથ્વી કરતાં K2-18b નો વ્યાસ લગભગ 2.6 ગણો વધારે છે અને દળ 8.6 ગણું વધારે છે. વિજ્ઞાનીઓ માને છે કે તે ‘હાયસીન’ (Hycean) હોઈ શકે છે. હાયસીન એટલે એવો ગ્રહ જ્યાંનું વાતાવરણ હાઈડ્રોજનથી સમૃદ્ધ હોય અને મબલખ માત્રામાં પાણી પ્રવાહી રૂપમાં હાજર હોય, એટલે કે પૃથ્વી પર જોવા મળે છે એવા મહાસાગરો હોય! આવી શક્યતાઓ ધરાવતા ગ્રહો પર જીવન પાંગરી શકે છે.

ડૉક્ટર મધુસૂદને શું કહ્યું? 

પોતાની આ શોધ બદલ ઉત્સાહિત ડૉ. મધુસૂદનનું કહેવું છે કે, ‘પૃથ્વીની બહાર જીવન સંભવિત હોઈ શકે છે એનો આ “સૌથી મજબૂત પુરાવો” છે. આપણે એક-બે વર્ષમાં આ સંકેતની પુષ્ટિ કરી શકીશું. જો K2-18b પર જીવન છે એ વાત સાબિત થશે તો પછી સમજી લેવાનું કે આપણી ગેલેક્સીમાં બીજે પણ જીવન હશે જ.’

ડૉ. નિક્કુ મધુસૂદન કોણ છે?

ભારતીય મૂળના ડૉ. નિક્કુ મધુસૂદન IIT-BHU અને MIT ના સ્નાતક છે. તેમણે યેલ, પ્રિન્સટન અને કેમ્બ્રિજ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સંશોધનોમાં વિશેષ ભૂમિકા ભજવી છે. તેઓ ‘બાહ્યગ્રહીય વાતાવરણ, આંતરિક ભાગો અને બાયોસિગ્નેચર’ (exoplanetary atmospheres, interiors, and biosignatures) વિષયના નિષ્ણાત છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝિક્સ ભણાવે છે. તેમની ટીમ JWST નો ઉપયોગ કરીને K2-18b નો અભ્યાસ ચાલુ રાખશે. 2029 માં યુરોપિયન સ્પેસ એજન્સીનું એરિયલ મિશન લોન્ચ થવાનું છે. એમાં K2-18b જેવા બાહ્ય ગ્રહોના વાતાવરણની તપાસ કરાશે.

વેબ ટેલિસ્કોપે શું શોધી કાઢ્યું?

‘નીયર-ઈન્ફ્રારેડ ઈમેજર એન્ડ સ્લિટલેસ સ્પેક્ટ્રોગ્રાફ’ (NIRISS) અને ‘નીયર-ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોગ્રાફ’ (NIRSpec) જેવા JWST સાધનોએ આ શોધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. K2-18b પર ‘ડાયમિથાઈલ સલ્ફાઈડ’ (DMS) ના સંભવિત નિશાન મળી આવ્યા છે. DMS એક એવો મોલેક્યુલ છે જે ખાસ કરીને દરિયાઈ ફાયટોપ્લાંકટન જેવા જીવંત ઓર્ગેનિઝમ દ્વારા ઉત્પન્ન થાય છે.


Related Posts

Load more