One Nation-One Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે ગુરૂવારે વન નેશન વન-વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે. આ કાયદા હેઠળ દેશભરમાં એકસાથે ચૂંટણી યોજવા પર વિચાર કરવામાં આવશે. મોદી સરકાર જલ્દી શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરી શકે છે. આ મુદ્દે સરકારી સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, કેબિનેટ દ્વારા પાસ કરવામાં આવેલો પ્રસ્તાવ કોઈપણ બદલાવ વિના સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ જાય છે તો દેશમાં સૌથી પહેલીવાર 2034માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની એકસાથે ચૂંટણી યોજાશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ આ વર્ષે માર્ચમાં આ વિશે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.
બંધારણમાં થશે સંશોધન?
કોવિંદ કમિટીએ વન નેશન-વન ઇલેક્શન લાગુ કરવા માટે અમુક ભલામણ કરી છે. જે અંતર્ગત બંધારણમાં સંશોધન કરી એક નવું અનુચ્છેદ, 82 એ(1) જોડવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી બાદ લોકસભામાં પહેલી બેઠકમાં એક તારીખ નક્કી કરશે. આ તારીખ બાદ નવી રચાયેલી વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડીને લોકસભાના પૂર્ણ કાર્યકાળ મુજબ કરવામાં આવશે.
ક્યારે યોજાશે ચૂંટણી?
સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, તેનો અર્થ એવો થશે કે જો બિલ કોઈ સંશોધન વિના પસાર થઈ જાય છે, તો નક્કી કરેલી તારીખ ફક્ત 2029માં ચૂંટાયેલી લોકસભાની પહેલી બેઠક દરમિયાન સૂચિત કરવામાં આવશે, કારણકે આ વર્ષે લોકસભાની પહેલી બેઠક પહેલાં જ થઈ ચુકી છે. આવનારી લોકસભાનો કાર્યકાળ 2029માં શરૂ થશે જેનો સમયગાળો 2034 સુધી રહેશે.
આ પણ વાંચોઃ ‘હું અયોધ્યા અંગેના ચુકાદાનો બચાવ કરવા નથી માગતો..’, જસ્ટિસ નરીમનને પૂર્વ CJIનો જવાબ
ઈવીએમની સંખ્યામાં વધારો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ માટે પણ ફાયદાકારક રહેશે. ચૂંટણી પંચ આ દરમિયાન મોટા સ્તરે ચૂંટણી યોજવાને લઈને તૈયારી કરી શકશે. પોલ પેનલના એક વરિષ્ઠ અધિકારી મુજબ, ચૂંટણી પંચને એક સાથે ચૂંટણી માટે ઈવીએમની સંખ્યાને બમણી કરવા માટે ઓછામાં ઓછા અઢીથી ત્રણ વર્ષની જરૂર પડશે. અધિકારીએ જણાવ્યું, ‘રાજકીય સામાન્ય સંમતિ બનવી અને સંસદમાં બિલ પસાર કરવું ફક્ત શરૂઆત છે. ચૂંટણી પંચને વિધાનસભા અને લોકસભા માટે એકસાથે ચૂંટણી કરાવવા માટે નવા ઈવીએમ માટે ઓર્ડર આપવા પડશે, જેના માટે લીડ ટાઇમની જરૂર છે.’