‘હેરા ફેરી 3’ વિવાદમાં નવો વળાંક:અક્ષય કુમારે કહ્યું-‘બધું બરાબર થઈ જશે’, ‘બાબુરાવ’ સાથે સુલેહના સંકેત કે પબ્લિસિટી સ્ટન્ટ? ફેન્સમાં તર્ક-વિતર્ક

By: Krunal Bhavsar
17 Jun, 2025

‘હેરાફેરી 3’માંથી પરેશ રાવલે છેડો ફાડી નાખ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે ‘બાબુરાવ’ પર 25 કરોડનો દાવો કરી દીધો છે. તેવામાં અક્ષય કુમારે ફરી આ બાબતે નિવેદન આપ્યું છે. એક્ટરે કહ્યું, ‘બધુ બરાબર થઈ જશે.’ અક્ષયના આ નિવેદનને પગલે ફેન્સમાં અનેક તર્ક વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે બધુ સમુંસૂતરું પાર પડી ગયું છે કે પછી આ બધું પબ્લિસિટી સ્ટન્ટ હતું એવું ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં પિંકવિલા (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં અક્ષય કુમારને ‘હેરાફેરી 3’ ફિલ્મના હાલના અપડેટ અને વધુ જાણકારી વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં અક્ષયે કહ્યું કે, ‘ જે કંઈ પણ થઈ રહ્યું છે, તે તારી સામે જ છે. હું પણ મારા ફિંગર્સ ક્રોસ (સારા પરિણામની આશા રાખવી) કરીને બેઠો છું. મને આશા છે કે બધું બરાબર થઈ જશે.’ વધુમાં અક્ષયે આશ્વાસન આપતાં કહ્યું કે, ‘બધુ ઠીક થઈ જ જશે. મને પાક્કી ખાતરી છે.’
‘હેરાફેરી 3’માંથી ‘બાબુરાવ’ની એક્ઝિટ
પરેશ રાવલના ‘હેરાફેરી 3’ છોડવાના નિર્ણય અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘આ ફેક્ટ છે.’ તેમ છતાં ‘બાબુરાવ’ના ફેન્સ આ વાત માનવા તૈયાર નહોતા. તેવામાં અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે ચાલી રહેલા વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પરેશ રાવલે લલ્લનટોપ (ન્યૂઝ વેબસાઇટ) સાથેના એક ઇન્ટરવ્યૂમાં ‘હેરાફેરી’માં પોતાના પાત્રને ગળાનો ફાંસો ગણાવ્યો, તેમણે કહ્યું કે તે તેમાં ટાઇપકાસ્ટ થઈ ગયા છે અને હવે આગળ વધવા માંગે છે.
અક્ષયે 25 કરોડનો દાવો કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો
‘હેરાફેરી 3’માંથી બાબુરાવની એક્ઝિટ વચ્ચે અક્ષય કુમારની કંપનીએ પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરી 25 કરોડનો દાવો માંડી દેતા વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો. જેના જવાબમાં પરેશ રાવલે વ્યાજ સહિત 11 લાખ રૂપિયા પરત કર્યો. જોકે, બંને વચ્ચે તણાવ છતાં અક્ષય અને પરેશે પ્રિયદર્શનની હૉરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ની શૂટિંગ પૂરી કરી છે. પણ સૂત્રોનું માનીએ તો બંને વચ્ચે હવે પહેલા જેવા મૈત્રી પૂર્ણ સંબંધો રહ્યા નથી.

અક્ષય કુમાર ‘હાઉસફુલ 5’ની સફળતાની ઉજવણીમાં વ્યસ્ત

અક્ષય કુમારની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હાઉસફુલ 5’ને ભારે સફળતા મળી છે. ફિલ્મનું ડોમેસ્ટિક અને વર્લ્ડવાઇડ કલેક્શન 100 કરોડને પાર કરી ચૂક્યું છે. ઉપરાંત અક્ષય કુમાર ‘કન્નપ્પા’ ફિલ્મ સાથે તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં તે ભગવાન શિવનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં વિષ્ણુ માંચૂ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે અક્ષય કુમાર મોહનલાલ અને પ્રભાસ સાથે કેમિયો (નાનો પણ મહત્વનો રોલ)માં જોવા મળશે. ‘કન્નપ્પા’ ફિલ્મ 27 જૂન 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Related Posts

Load more