Elon Musk and Trump News | ટ્રમ્પના વિજય સાથે તેનો સમર્થક ઇલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 2.23 લાખ કરોડ રુપિયાથી વધુ (26.5 અબજ ડોલર)નો જંગી વધારો થયો છે. આના પગલે મસ્કની સંપત્તિ 290 અબજ ડોલરે પહોંચી ગઈ છે અને આવનારા બહુ જ થોડા દિવસોમાં ટેસ્લાના માલિકની સંપત્તિનો આંકડો 300 અબજ ડોલરને વટાવી શકે છે.
મસ્કની સંપત્તિમાં ઉછાળના પાછળ ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના શેરમાં આવેલી તેજી છે. ટ્રમ્પ જીતતા જ ટેસ્લાના શેર 15 ટકા જેટલા વધ્યા હતા. તેના શેરનો ભાવ 284.67 પર ખૂલ્યો હતો અને 289.59 સુધી ઉછળ્યો હતો.
ફક્ત મસ્ક જ નહીં અન્ય અબજપતિઓની સંપત્તિમાં પણ ઉછાળો આવ્યો છે. અમેરિકાના ટોપ-ટેન બિલિયોનર્સની સંપત્તિમાં જંગી વધારો થયો છે. એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિમાં 24 કલાકમાં 7.14 અબજ ડોલરનો વધારો થયો છે. તેમની નેટવર્થ 228 અબજ ડોલર થઈ ગઈ છે.
આ સિવાય લેરી એલિસનની સંપત્તિમાં 9.88 અબજ ડોલરનો વધારો થયો છે અને લેરી પેજની સંપત્તિમાં 5.53 અબજ ડોલર તથા વોરેન બફેટની સંપત્તિમાં 7.58 અબજ ડોલરનો વધારો થયો છે.સર્ગેઇ બ્રિનની સંપત્તિમાં 5.13 અબજ ડોલરનો વધારો થયો છે. જ્યારે જેનસેન હુઆંગની સંપત્તિ 4.86 અબજ ડોલર વધી છે. આ ઉપરાંત માઇકલ ડેલ, સ્ટીવ બાલ્મેર અને બિલ ગેટ્સની સંપત્તિ પણ 1.82 અબજ ડોલરથી 3.31 અબજ ડોલર વધી છે.
ટ્રમ્પના વિજયના પગલે અમેરિકન શેરબજાર પણ ઝૂમી ઉઠયું. ડાઉ જોન્સ 1508 પોઇન્ટ એટલે કે 3.57 ટકા વધી વિક્રમજનક સપાટી ૪૩,૨૭૯ પર પહોંચ્યો. એસ એન્ડ પી 500 146 પોઇન્ટ કે 2.53 ટકા વધી 5929 પર પહોંચ્યો. જ્યારે નાસ્ડેક 2.95 ટકા કે 544 પોઇન્ટ વધી બમ્પર ઉછાળા સાથે 18983 ના સ્તર પર પહોંચ્યો.
આ વિજય પછી ટ્રમ્પે મસ્કની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અમારી પાસે એક નવો રોક સ્ટાર છે. તેમણે બે અઠવાડિયા સુધી મારી સાથે પ્રચાર કર્યો. આ દરમિયાન મેં તેમને અંતરિક્ષમાં તેમણે મોકલેલા રોકેટ અંગે પૂછ્યુ, તે અત્યંત શાનદાર છે. મને મસ્ક ખૂબ જ ગમે છે, તે જબરદસ્ત વ્યક્તિ છે.
મસ્કે ટ્રમ્પના પ્રચાર પાછળ રૂ.1,100 કરોડ ખર્ચ્યા, એક જ દિવસમાં અનેક ગણું વળતર
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યારે ઇલોન મસ્ક તેમની સાથે જ હતા. ટ્રમ્પે તેમના ફ્લોરિડા ખાતેના નિવાસ્થાને જણાવ્યું હતું કે મસ્કના સ્વરૂપમાં નવા સ્ટારનો જન્મ થયો છે. મસ્કે ટ્રમ્પ પાછળ પ્રચાર કરવા 13 કરોડ ડોલર એટલે કે રુ. 1100 કરોડ ખર્ચ્યા હતા. તેના જવાબમાં ટેસ્લાના શેરમાં એક જ દિવસમાં 15 ટકાનો ઉછાળો આવતા તેના શેરનું મૂલ્ય 26.5 અબજ ડોલર એટલે કે બે લાખ કરોડથી પણ વધુ વધી ગયું છે. ટેસ્લા છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં ચીનની હરીફ કંપનીઓનો સામનો કરતી હતી. તેનું યુરોપીયન વેચાણ પણ ઘટી રહ્યું છે. કંપનીના ગ્રાહકો તેના રાજકીય વલણને લઈ નારાજ છે.