Delhi BJP News | છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં ધારાસભ્યો-સાંસદ અને મંત્રીઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે અધિકારીઓ તેમની સાંભળતા જ નથી. ત્યારે હવે દિલ્હીમાં પણ ભાજપના ધારાસભ્યોની ફરિયાદો સામે આવવા લાગી છે કે અધિકારીઓ તેમની સાંભળતા જ નથી. તેમને કોઈ મહત્ત્વ અપાતું નથી.
મામલો સ્પીકર સુધી પહોંચ્યો…
જ્યારે આ વાત દિલ્હી વિધાનસભામાં સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા સુધી પહોંચી ગઇ હતી અને તેમણે એક લખ્યા બાદ સામે આવી હતી. ખરેખર તો વિજેન્દ્ર ગુપ્તાએ મુખ્ય સચિવ ધર્મેન્દ્રને એક પત્ર લખ્યો છે, જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે દરેક સરકારી વિભાગના અધિકારીઓએ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે હાજર રહેવું જોઈએ.
વિજેન્દ્ર ગુપ્તાને કેમ ગુસ્સો આવ્યો?
વિજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા મુજબ એવી ઘણી ફરિયાદો સામે આવી હતી કે મહત્વપૂર્ણ સરકારી વિભાગના અધિકારીઓ ધારાસભ્યો સાથે હાજર જ હોતા નથી અને ઘણી વખત તો તેમના દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવતા નથી. આ અંગે સ્પીકરનું કહેવું છે કે કેટલીક ફરિયાદો મારા ધ્યાને પણ આવી હતી જેમાં ધારાસભ્યોના ફોન પણ ઉપાડવામાં આવતા નથી કે તેમના મેસેજનો જવાબ અપાતો. આ બહુ ગંભીર મુદ્દો છે.
આમ આદમી પાર્ટીને મજા પડી ગઇ!
ખરેખર તો કેટલાક ધારાસભ્યો સ્પીકર પાસે ગયા હતા અને તેમણે ફરિયાદ કરી હતી કે તમામ પ્રયાસો છતાં ઘણા અધિકારીઓ સાથે અમારી વાત જ થતી નથી. તેમની સાથે મુલાકાત પણ મુશ્કેલ થઈ જાય છે. આવી ફરિયાદો વધી જતા વિજેન્દ્ર ગુપ્તાએ પત્ર લખવો પડ્યો. હવે આ અહેવાલથી આમ આદમી પાર્ટી ગદગદીત દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર પણ છેલ્લા 10 વર્ષથી આ જ પડકારનો સામનો કરી રહી હતી, ત્યારે પણ અધિકારીઓ ધારાસભ્યોની વાત સાંભળી રહ્યા ન હતા
શું કહ્યું આમ આદમી પાર્ટીએ?
આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સૌરવ ભારદ્વાજે કહ્યું કે દસ વર્ષ સુધી દિલ્હીના અધિકારીઓને મંત્રીઓ અને ધારાસભ્યોની વાત ન સાંભળવાનું, ધારાસભ્યો અને મંત્રીઓ ફોન ઉપાડવાના નહીં અને પત્રોનો જવાબ પણ નહીં આપવાનો તેવું શીખવવામાં આવતું રહ્યું. જેઓ આમ આદમી પાર્ટીને દરેક મુદ્દા પર જ્ઞાન આપે છે તે આજે પોતે જ પરેશાન છે. હવે ભાજપની સરકાર બની છે ત્યારે અધિકારીઓની મનમાની સમજાઈ રહી છે. પહેલા એ જ ભાજપ આ અધિકારીઓની તરફેણ કરતી હતી, હવે તેમને તેમની ફરજ શીખવવામાં આવી રહી છે. આજે ભાજપ સમજી ગયો છે કે લોકશાહીને નબળી પાડવાથી દેશ અને તેની જનતાને જ નુકસાન થાય છે.
ગુજરાતમાં પણ આવી હાલત…!
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોએ સરકારને અધિકારીઓ ગાંઠતા નથી કે તેમનું માન જળવાતું નથી તેવી ફરિયાદ કરી હતી. સરકારે ગુજરાત વિધાનસભામાં કબૂલ્યું હતું કે, પ્રોટોકોલ જળવાયો ન હોવાની 9 ફરિયાદો જુદા-જુદા મંત્રીઓ-ધારાસભ્યો અને સાંસદો દ્વારા કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી. સરકારને મળેલી ફરિયાદમાં મંત્રી, ધારાસભ્યો અને સાંસદોએ કહ્યં કે, અમારા મત વિસ્તારમાં જાહેર કાર્યક્રમો હોય તેમાં ધારાસભ્યોને બોલાવવામાં નથી આવતાં. આ સિવાય આમંત્રણ પત્રિકામાં પણ નામ નથી હોતા. ઘણાં કાર્યક્રમોમાં બોલાવવામાં આવે તો તક્તીઓમાં નામ નથી મૂકવામાં આવતાં.