Election 2024 Votingમહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
મહારાષ્ટ્રના નેતાઓ તથા ફિલ્મી સિતારાઓની અપીલ બાદ પણ ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારના નવ વાગ્યા સુધીમાં માત્ર 6.03% મતદાન થયું છે. બીજી તરફ ઝારખંડમાં સરેરાશ 12.71 ટકા મતદાન થયું છે.
બિટકોઇન મામલે સુપ્રિયા સુલેની સ્પષ્ટતા
NCP SP નેતા સુપ્રિયા સુલેએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ દ્વારા સુપ્રિયાની એક ઓડિયો વાઇરલ કરવામાં આવી રહી છે. જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટિસ પણ આપી છે.
મારા નામ સામે કાળું નિશાન કરાયું: રોહિત પવાર
શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે EVMમાં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે.
ફિલ્મી સિતારાઓ કરી રહ્યા છે મતદાન
અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખ વહેલી સવારે જ મતદાન કર્યું હતું.