રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને કારણે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણમાં ગઈ છે. સવારે કડકડતી ઠંડીમાં 4-4 અને 5-5 વાગ્યે ઉઠીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલા બસસ્ટેન્ડ કે રેલવે સ્ટેશને જ જાણ થઈ ગઈ કે, પેપર તો ફૂટી ગયું છે. આવા સમયે ઉમેદવારોએ દિવ્યભાસ્કર સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પહેલા 99 હતી હવે તો 156 સીટ આપી તો અમને ભોરોસો તો આપો. વડોદરામાં એક નાની બાળકી સાથે મહિલા ઉમેદવાર પરીક્ષા આપવા આવી પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે, ચાલો હવે તો ભરોસાની સરકાર છે. પણ હવે કોના પર વિશ્વાસ કરવો, હવે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયો છે.
રોજ સવારે 5 વાગ્યે ઉઠીને તૈયારી કરતી અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાંથી વડોદરા નાની બાળકી સાથે પરીક્ષા આપવા આવેલા વૈશાલીબેન તાવીયાડ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, હું સવારે 5 વાગ્યે વહેલા ઉઠીને મારી નાની દીકરી સાથે પરીક્ષા આપવા આવી છું. હું હાલ હાઉસવાઇફ છું અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરું છું. છેલ્લા એક વર્ષથી રોજ સવારે 5 વાગ્યે ઉઠીને તૈયારી કરતી હતી. સાથોસાથ ઘરનું પણ કામ કરું છું. એક સિસ્ટર છે તે ક્લાસિસ કરે છે તેની પાસેથી બૂક મગાવીને તૈયારી કરતી હતી. આજે સવારે સેન્ટર પર આવીને જાણવા મળ્યું કે, પેપર ફૂટી ગયું છે તો અમારે હવે શું કરવું? જે પણ પેપર ફોડે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. અમે સરકારી પરીક્ષાની તૈયારી એટલા માટે કરતા હોઇએ કે, ચાલો હવે તો ભરોસાની સરકાર છે. પણ હવે કોના પર વિશ્વાસ કરવો, હવે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયો છે.

અમદાવાદના ઉમેદવાર હર્ષ પટેલે જણાવ્યું હતું કે, આજે પેપર ફૂટી ગયું છે તો સરકારને એટલું જ કહેવાનું છે કે, થોડી ઘણી જવાબદારી લે અને પેપર ફૂટે છે તેમાં જવાબદાર લોકોને સજા આપે. પરિક્ષા આપવા માટે મે સખત મહેનત કરી છે અને ખૂબ આશા સાથે સવારે પરિક્ષા આપવા ગયો પણ પેપર ફુટયાના સમાચાર સાંભળી ઘણ દુખ થયુ છે પેપર ફુટવાના પ્રકરણમાં સરકાર માત્ર વાતો કરતી હોય તેમ લાગે છે
મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, ટિકિટ માથે પડી
આણંદથી ભરૂચ પરીક્ષા આપવા જઈ રહેલા જીતેન્દ્ર મકવાણાને રસ્તામાં જ જાણ થઈ જતા તે વડાદરા જ અધવચ્ચે ઉતરી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે, હું આણંદથી ભરૂર પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. પરંતુ બસમાં ટિકિટ લીધા પછી રસ્તામાં મને ખબર પડી કે, પેપર ફૂટી ગયું છે અને એક્ઝામ કેન્સલ થઈ છે. કન્ડક્ટરે મને આ અંગે જાણ કરી હતી. મારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મેં કન્ડક્ટરને ટિકિટ કેન્સલ કરવાનું કહ્યું હતું. મને એવું કહ્યું કે, કેન્સલ નહીં થાય પણ બીજા કોઇ મળે તો એને ટિકિટ આપી દ્યો. બાદમાં કોઈએ ટિકિટ ન લીધી અને મારે ટિકિટના પૈસા માથે પડ્યા.