આમ તો શરીરમાં દરેક તકલીફનું મૂળ મેદસ્વીતા છે. બદલાતી લાઈફ સ્ટાઈલના કારણે લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ જ કારણ છે કે મેદસ્વીતાના કારણે ધીરે ધીરે લોકોમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની તકલીફો વધી રહી છે. વિશ્વ લીવર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે તમારે પણ એ જાણવું જોઈએ કે તમારું લીવર ફેટી છે કે નહીં. જાણીતા સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. ચિરાગ દેસાઈ જણાવે છે કે લીવર એ શરીરનું અગત્યનું અંગ છે પરંતુ બદલાતી લાઈફ સ્ટાઈલ, જમવામાં અનિયમિતતા, વધુ પડતો સ્ટ્રેસ, ડાયાબિટીસ જેવા અનેક કારણોને લીધે લીવરની તકલીફો વધી રહી છે. કોઈપણ વ્યક્તિને એક વાર લીવર અફેક્ટ થયા ત્યાર બાદ તેને નોર્મલ વ્યક્તિ કરતાં લીવર કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આમ તો દર બીજી વ્યક્તિએ ફેટી લીવરની તકલીફ જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિને પોતે પોતાને નોર્મલ માને છે તેવી વ્યક્તિ પણ જો ટેસ્ટ કરાવે તો તેને ફેટી લીવર હોવાની શક્યતા 50 ટકા જેટલી વધી જાય છે.
નોર્મલ વ્યક્તિને પોતાના લીવરની જાણ કરાવવી હોય તો બ્લડ ટેસ્ટમાં SGPT ટેસ્ટ કરાવવો જોઈએ તેમજ સોનોગ્રાફી કરાવવી જોઈએ. જે વ્યક્તિને ફેટી લીવર ગ્રેડ વન કે ગ્રેડ ટુ છે તેઓ વજન ઉતારે, સંયમી જીવન જીવે, ડાયેટરી મોડિફિકેશન રાખે તો તેને લીવરની તકલીફ ઘણી ઓછી થાય છે જ્યારે એ માત્રા વધી જાય, ફાઈબ્રોસીસ કે સીરોસીસ થઈ જાય ત્યારે રિવર્સિબલ રહેતું નથી.