બનાસકાંઠા: જિલ્લાનું વિભાજન થયા બાદ હવે દિવસેને દિવસે વિવાદ વકરતો જતો જોવા મળી રહ્યો છે. જેમાં ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આ વિભાજન મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બનાસકાંઠા ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સાથે ધાનેરા જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને થરાદ વાવમાંથી પરત બનાસકાંઠામાં રાખવામાં આવે.
આજે ધાનેરામાં બંધના એલાન સાથે જનઆંદોલન રેલી યોજાશે. ભાજપ-કોંગ્રેસના સભ્યો જનઆંદોલન રેલીમા જોડાશે. ઘાનેરાના વેપારીઓએ ધંધા રોજગાર બંઘ રાખી વિરોધ નોંધાવ્યો.વિભાજપ પછી ધાનેરાનો સમાવેશ વાવ-થરાદમાં કરતા લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આ જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાવાના છે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં જોડાવાની માંગ છે સાથે જ દિયોદરના લોકોની એવી માગ છે કે દિયોદરને અલગ જિલ્લો જાહેર કરીને તેનું અગડ નામ રાખવામાં આવે.