ભાજપને વોટ આપવામાં અગ્રેસર રહેવા છતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકોની ચિંતા ભાજપની સરકારને નથી – કોંગ્રેસ

By: nationgujarat
03 Oct, 2024

રાજયમા હિરા કારોબાર ભયંકર મંદિની સ્થિતિમા ચાલી રહ્યો છે સુરત-અમદાવાદ-બોટાદ સહિત રાજયમા ઘણા લોકો હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જેઓને આજે રોજગારી મેળવી મુશ્કેલ થઇ પડી છે. હિરામા મંદિને કારણે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ ઘણા વ્યકિતીઓએ રોજગારી ન મળવાથી આત્મહત્યા કરી છે આ ગંભીર વિષય બાબતે આજે કોંગ્રેસના નેતા મનિષ દોષીએ સરકારને આડે હાથ લીધી છે.

ગુજરાતના અસંખ્ય લોકોને રોજી આપતો અને પુષ્કળ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો હીરા ઘસવા(ડાયમંડ પોલિશીંગ)નો ઉદ્યોગ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહેલો છે. આ ઉદ્યોગ દ્વારા લાખો લોકોનું ભરણપોષણ થઈ રહેલ છે. ઉદ્યોગમાં ઊભી થયેલી કટોકટીના કારણે ૧૦૦થી વધારે હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરવી પડી છે. આવી અભૂતપૂર્વ કટોકટી ઉદ્યોગમાં પેદા થયેલ હોવા છતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહેજ પણ ચિંતા કારીગરોને કે ઉદ્યોગને બચાવવા કરતી નથી તે દુઃખદ ઘટના છે. ભાજપના ધનસંગ્રહ અને વોટ આપવામાં અગ્રેસર રહેવા છતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકોની ચિંતા ભાજપની સરકારને નથી. હજારો કારીગરોએ કામ ગુમાવ્યું છે અને ભયંકર મંદી ઉભી થયેલી છે જેમાં ખાસ કરીને કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. ફરજિયાત રજાઓ અને પગારમાં ઘટાડા તથા બિનજરૂરી વેકેશનો કારીગરોને આપવામાં આવી રહ્યા છે. આ અભૂતપૂર્વ મંદીના કારણોમાં નજર કરીએ તો મુખ્ય કારણ એ છે કે, જી-૭ના દેશો એટલે કે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને યુનાઈટેડ કિંગડમના દેશોએ એવો નિર્ણય કરેલ છે કે રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમે નહીં ખરીદીએ. હકીકતમાં ભારતમાં સૌથી વધારે રશિયન રફ લાવીને એના હીરા ઘસીને દુનિયામાં પુરા પડાતા આવ્યા છે. આમ, નુકસાન રશિયા કરતા ભારત દેશને વધારે થાય છે તેમ છતાં જી-૭ના દેશોના અવિચારી નિર્ણય સામે ભારતના પ્રધાનમંત્રીશ્રી અને વિદેશ મંત્રી ચૂપ છે. અમેરિકામાં તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી ગયા ત્યારે તેમણે ૫૬ની છાતી બતાવીને તથા લાલ આંખ કરીને કહેવું જોઈતું હતું કે જી-૭ના દેશો ભારતના હીરા કઈ રફમાંથી બન્યા છે તેને જોયા વગર ખરીદે તો જ ભારતનું હિત સચવાય અને ભારતના હિતને નુકસાન કરતો નિર્ણય જી-૭ કરે તે વ્યાજબી નથી, પરંતુ આવી કોઈ જ હિલચાલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી નથી. મંદીનું બીજું કારણ એ છે કે, ચાઈનાએ ભારતના ઓરીજનલ હીરાના પ્રતિષ્ઠાભર્યા વેપારને નુકસાન થાય તે રીતે લેબ ગ્રોન એટલે કે સિન્થેટિક હીરા કે જે લેબોરેટરીમાં બને છે તેનું ઉત્પાદન કર્યું અને કેટલાક લાલચુ વેપારીઓ મારફત ભારતમાંથી ડુપ્લીકેટ હીરાનું વેચાણ શરૂ થયું, જેના કારણે ભારતની સાચા હીરા પૂરા પાડવાની પ્રતિષ્ઠાને નુકસાન થયું તેમ જ સર્ટિફિકેટ જેવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો અને ભારતના હીરા ઉદ્યોગને નુકસાન થયું. ત્રીજું આ મંદીનું એક કારણ એ પણ છે કે, આપણા દેશના સાચા હીરાની પ્રતિષ્ઠા એ વિશ્વમાં પંકાયેલી હતી તેવા સમયે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીએ અમેરિકામાં જઈને અમેરિકાના પ્રેસિડેન્ટના પત્ની લેડી જીલ બાઈડનને લેબ ગ્રોન (સિન્થેટિક) હીરો ૭.૫ કેરેટનો ભેટ આપ્યો. હકીકતમાં ભારતની પ્રતિષ્ઠા સાચા હીરા માટેની છે ત્યારે આવો લેબ ગ્રોન એટલે (સિન્થેટિક હીરો) ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જ અમેરિકાના પ્રેસિડેન્ટના પત્નીને આપ્યો તેથી આપણી સાચા હીરાની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે. હવે સરકારની એ જવાબદારી છે કે મંદીમાં ફસાયેલા ઉદ્યોગને મદદરૂપ બનવું જોઈએ.
કોંગ્રેસની સરકારમાં ૧૯૯૨માં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવેલું હતું. ત્યારબાદ ભાજપની સરકારે આ બોર્ડ બંધ કરી દીધેલું છે. જ્યારે ૨૦૦૮માં ભાજપની સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી હતી અને મંદીમાં ૧૨૦૦ કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ હકીકતમાં માત્ર છ જ વ્યક્તિઓને લાભ આપીને ૨૦૧૨માં આ રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના સંપૂર્ણ બંધ કરી દીધી હતી. આમ હીરા ઉદ્યોગ માટે સંપૂર્ણ અનદેખી કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો એ શ્રમિકો છે અને શ્રમિકો પાસેથી ક્યારેય વ્યવસાય વેરો લઈ શકાય નહીં, આમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો લઈ રહી છે.
કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, (૧) જી-૭ના દેશોને સ્પષ્ટ રીતે પોતાનો એ નિર્ણય પરત ખેંચવા ભારત સરકાર મજબૂર બનાવે કે ભારતમાં બનેલો હીરો રશિયાની રફનો છે કે કઈ રફનો છે તે જોયા વગર તેમના દેશોમાં ખરીદી થઈ શકે. (૨) જે રત્નકલાકાર કારીગરોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય તરત જ આપવામાં આવે. (૩) વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો પાસેથી લેવામાં આવે છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. (૪) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને જેમાં કામદારના પ્રતિનિધિઓ, કારખાનેદારના પ્રતિનિધિઓ તથા જન પ્રતિનિધિઓનો સમાવેશ કરી માતબર રકમ રત્નકલાકાર કલ્યાણ બોર્ડને ફાળવવામાં આવે. (૫) રત્નકલાકાર કારીગરોની નોંધણી કરવામાં આવે અને એમને મળવાપાત્ર ગ્રેજ્યુઈટી તથા અન્ય સુવિધાઓ અંગેની સરકાર દ્વારા ચિંતા કરવામાં આવે.
આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી અભૂતપૂર્વ કટોકટી અને તે અંગેની વિસ્તૃત માહિતી પ્રેસ અને મીડિયાને આપી તથા હીરા ઉદ્યોગને માટેની કલ્યાણકારી માંગણીઓ રજૂ કરી હતી.


Related Posts

Load more