મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે ભાજપ નેતાના ઘર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને રેસ્ક્યૂ કરાયા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કોણ છે રાજેશ કેસરવાની?
આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાજપના નેતા રાજેશ કેસરવાની સાથે સંબંધિત સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજેશ બીડી ઉત્પાદક, મકાન બાંધકામ કોન્ટ્રાક્ટર અને ભાજપના પૂર્વ કાઉન્સિલર છે. જોકે, આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ મગરની રિકવરી અંગે વાત કરી ન હતી.
મધ્યપ્રદેશના હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મગરોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટને આપવામાં આવશે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, અસીમ શ્રીવાસ્તવે કુલ કેટલા મગર મળી આવ્યા અને તે કોનું ઘર હતું તે સ્પષ્ટ કર્યું નથી. સૂત્રો કહે છે કે ઘરમાંથી કુલ ચાર મગર મળી આવ્યા હતા.
વિસ્તારમાં સનસનાટી ફેલાઈ
વન વિભાગે મગરોનું રેસ્ક્યૂ અને તેમને સલામત સ્થળે મોકલવાનું શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ મગરોની સ્થિતિ સામાન્ય છે અને આરોગ્ય તપાસ પૂર્ણ થયા પછી તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશે. ઘરની નજીક મગર મળવાની આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકો ચર્ચા કરવા લાગ્યા કે ઘરમાં મગર કેમ રાખવામાં આવે છે. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.