લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે.
182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે.
કોંગ્રેસના અને AAPના અન્ય ધારાસભ્યો પણ ભાજપના રડાર પર છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે તો સ્વભાવિક છે કે જે પણ ધારાસભ્ય રાજીનામા આપશે તે ભાજપમાં જોડાશે. ભાજપે રાજીનામું આપનાર આપ અને કોંગ્રેસના નેતાઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન નવા વર્ષની શરૂઆતમાં જ કરી હોવાની જાણકારી મળી રહી છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.