Congress Head Quarters| કોંગ્રેસ પાર્ટીનું હેડક્વાર્ટર ટૂંક સમયમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ અનુસાર, કોંગ્રેસનું મુખ્યાલય ટૂંક સમયમાં દિલ્હીના કોટલા રોડ પર આવેલા ‘ઈન્દિરા ભવન’માં શિફ્ટ કરાશે. આગામી સપ્તાહે તેનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ટોચના નેતાઓ 9A કોટલા માર્ગ પર બનેલા નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં હાજરી આપી શકે છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે
અહેવાલ અનુસાર, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી 15 જાન્યુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં તેનું ઉદ્ઘાટન કરાશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 24, અકબર રોડ સ્થિત વર્તમાન મુખ્ય કાર્યાલય ખાલી નહીં કરે. 1978 માં તેની રચના થઈ ત્યારથી તે કોંગ્રેસ (I) નું મુખ્યાલય છે. એવી ચર્ચા છે કે જૂના હેડક્વાર્ટરમાં અમુક વિભાગો જળવાઈ રહેશે.
ઘણા વર્ષોથી બાંધકામ ચાલી રહ્યું હતું
AICCના નવા હેડક્વાર્ટરનું નામ ‘ઇન્દિરા ભવન’ હશે. તેનું બાંધકામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું. તેના નિર્માણમાં ઘણો વિલંબ થયો હતો. તેની પાછળનું કારણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ગયા પછી ઊભી થયેલી ‘નાણાની અછત’ હોવાનું કહેવાય છે.
હાલમાં કયા કયા વિભાગ શિફ્ટ કરાશે?
એવી ચર્ચા છે કે શરૂઆતમાં એડમિનિસ્ટ્રેશન, એકાઉન્ટ્સ અને અન્ય વિભાગોને ટ્રાન્સફર કરવામાં આવશે. કોંગ્રેસના વિવિધ ફ્રન્ટલ સંગઠનો જેમ કે મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને પાર્ટીના વિભાગો અને અન્ય કેટલાક વિભાગ પણ નવા સંકુલમાં શિફ્ટ થાય તેવી શક્યતા છે.
અકબર રોડ પર હેડક્વાર્ટર ક્યારે બન્યું હતું?
ખરેખર તો 1977ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી લુટિયન્સ દિલ્હીના 24, અકબર રોડ પરના બંગલાને AICC હેડક્વાર્ટરમાં ફેરવી દેવામાં આવ્યો હતો. અકબર રોડ બંગલા પર એક સમયે સર રેજિનાલ્ડ મેક્સવેલનો કબજો હતો, જેઓ લોર્ડ લિનલિથગોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય (હોમ) હતા.