ગુજરાતમાં આ ચોમાસામાં મેઘરાજાએ અનેક વિસ્કારોમાં પોતાનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. સૌરાષ્ટ્ર, જામનગર,વડોદરા, કચ્છમાં આ વર્ષે અતિ ભારે વરસાદ વરસ્યો છે. જે પછી ખેડૂતોના પાકને તો નુકસાન પહોંચ્યુ જ છે. સાથે લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘુસી જતા સામાનને પણ નુકસાન પહોંચ્યુ છે. પાણી ભરાઈ જવાને લીધે હજારો એકર જમીનને પણ નુકસાન પહોંચ્યુ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ વિસ્તારોને સહાય આપવા માગ કરી છે.
કચ્છમાં ધોધમાર વરસાદ બાદ ભયાવહ તારાજી સર્જાઇ છે. લખપત તાલુકાના અનેક ગામ હજુ પાણી-પાણી છે. દોલતપર ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યુ છે. લીલા દુકાળને લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એરંડા, મગફળીના પાક સાથે ખેડૂતોની મહેનત પણ ધોવાઈ છે. કૃષિ, પશુપાલન પર આધારિત લખપતમાં સ્થિતિ કથળી છે. સરકાર મદદ કરે તેવી ખેડૂતોની માંગ છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. શક્તિસિંહે સૌરાષ્ટ્ર, જામનગર,વડોદરા, કચ્છને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માગ કરી છે. આ જિલ્લાઓમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે તેને ધ્યાનમાં રાખીને રાખી સરકાર પાસે લીલો દુકાળ જાહેર કરવા માગ કરી છે. આ સાથે લોકોને ઉદાર હાથે સહાય આપવા આગળ આવવાની અપીલ પણ કરી છે.