નવી દિલ્હી : હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો સામનો કર્યા પછી કોંગ્રેસે ફરી એક વખત ઈવીએમ સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે હવે ઈવીએમના બદલે બેલોટ પેપરથી ચૂંટણી કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું કે, દેશમાં ભારત જોડો યાત્રાની જેમ બેલોટ પેપરથી ચૂંટણી માટે યાત્રા કાઢીશું. મહારાષ્ટ્રમાં પરાજયનો સામનો કરનારા શરદ પવારની એનસીપી અને ઉદ્ધવની શિવસેનાએ પણ આ માગનું સમર્થન કર્યું છે.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું એક વાત કહીશ કે સંપૂર્ણ શક્તિ લગાવીને ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો જે વોટ આપી રહ્યા છે તે નિષ્ફળ જઈ રહ્યા છે. અમે ઈવીએમ છોડીને બેલોટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરીએ છીએ. એ લોકોને મશીન તેમના ઘરમાં રાખવા દો. અમદાવાદમાં અનેક ગોદામો બનાવેલા છે, ત્યાં ઈવીએમ મૂકી દો. અમારી એક જ માગ છે કે બેલોટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે. આવું થાય તો આ લોકોને ખબર પડી જશે કે તેઓ કેટલી બેઠકો જીતી શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા પક્ષે અભિયાન શરૂ કરવું જોઈએ અને બધા જ પક્ષોને તેના માટે સાથા લાવવા જોઈએ. આપણે આખા દેશમાં અભિયાન ચલાવવું જોઈએ. આ સાથે રાહુલ ગાંધીએ જાતી આધારિત વસતી ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી જાતી આધારિત વસતી ગણતરીથી ડરે છે. પરંતુ તેમણે સમજવું પડશે કે સમાજનો દરેક વર્ગ પોતાની ભાગીદારી ઈચ્છે છે અને તે માગી રહ્યો છે. તમે ખરેખર દેશમાં એકતા ઈચ્છતા હોય તો નફરત ફેલાવવાનું બંધ કરી દો. કોંગ્રેસની સાથે હવે શરદ પવારની એનસીપીએ પણ ઈવીએમ સામે સવાલો ઊઠાવ્યા છે અને બેલોટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી છે. મહારાષ્ટ્રમાં મહાઆઘાડીનો પરાજય વિપક્ષના ગળે ઉતરી રહ્યો નથી. એનસીપી-એસપીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક પછી પક્ષના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું, લગભગ બધા જ ઉમેદવારોમાં ઈવીએમ વિરુદ્ધ ગુસ્સો જોવા મળે છે.
તેમણે ઉમેર્યું કે, બધા ધારાસભ્યોનું કહેવું છે કે ઈવીએમ વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. હરિયાણા લીધું, જમ્મુ-કાશ્મીર આપ્યું, મહારાષ્ટ્ર લીધું, ઝારખંડ આપ્યું. જેથી કોઈને શંકા ના જાય. ભાજપ નાની ચૂંટણીઓ આપી દે છે અને મોટી ચૂંટણીઓમાં ઈવીએમ હેક કરી જીતી જાય છે. આવ્હાડે ઉમેર્યું કે લોકસભા પહેલાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી જીત્યા તો અમે પણ હવામાં ઉડવા લાગ્યા. કહ્યું, ના-ના ઈવીએમ બરાબર છે. હકીકતમાં ઈવીએમનો ઉપયોગ લોકોને મુર્ખ બનાવવા માટે કરવામાં આવે છે.