BZ Group Scam : ગુજરાતના મહાઠગોના લિસ્ટમાં વધુ એક મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાના નામનો ઉમેરો થયો છે. ત્યારે હવે ભુપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. આ મહાઠગના કૌભાંડ મામલે કોંગ્રેસે ભાજપ પર મોટા આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા કે, ભુપેન્દ્રસિંહ ઝાલાએ વડાલીમાં ભાજપને ફંડ આપ્યું છે. Bz મામલે કોંગ્રેસ મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપને ફંડ આપનાર BZ કંપનીનાં ભુપેન્દ્રસિંહ ઝાલા ૬૦૦૦ કરોડનો કૌભાંડી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ વડાલીમાં ભાજપને ફંડ આપ્યું છે. 21/3/2023 ના રોજ ચેકથી સત્તાવાર પાર્ટી ફંડ આપ્યું છે. તેના બાદ બે વાર 99999, 51000, અને 1 રૂપિયાનું ફંડ ચેકથી આપવામાં આવ્યું છે. છતાં ભાજપના નેતાઓ તેની સાથે કોઈ સંબંધ ન હોવાનું કહે છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યા કે, ભાજપની ચંદા લો ધંધા લો…સ્કીમના ભાગ રૂપે ગુજરાતના હજારો નાગરિકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલા અને ભાજપની સાંઠગાંઠ સામે આવી છે. ભારતીય જનતા પાર્ટી સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી નાંખી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હતું. ભાજપના નેતાઓ સાથે પણ ભુપેન્દ્રસિંહ ઝાલાની તસવીરો છે. એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાઠગાંઠ પણ જોવા મળ્યા છે. એજ્યુકેશન કેમ્પસમાં ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા. પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટી સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી નાંખી છે.
કોંગ્રેસે કહ્યું કે, ભાજપનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળી જાય છે. નાના પરિવારોએ થોડી લાલચમાં પૈસાનું રોકાણ કર્યું હતું. પોન્ઝી સ્કીમના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે. BZ સોલ્યુશન મામલે હજુ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ અન્ન પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહ પરમારને ન બોલવા આદેશ કરાયો છે, તેવું ખુદ મંત્રી જણાવી રહ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલાનાં સાઠગાંઠ ધરાવતા લોકોની કોલ ડીટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ. ભાજપ સરકાર અન્ન નાગરિક પુરવઠા મંત્રી જેને સ્વપ્નદૃષ્ટા ગણાવે છે, ભાજપા સમર્થિત ધારાસભ્ય જેમને એકના ડબલ અને ચાર ઘણા કરવા માટેના સફળ ગણાવે છે. જો ભુપેન્દ્રસિંહ ઝાલા જેવા લોકો જેવા હોશિયર લોકો હોય તો સરકારે આવા લોકો ન સેવા લેવી જોઈએ. કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.