ગુજરાતના ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય

By: nationgujarat
29 Nov, 2024

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે.

આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.


Related Posts