વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાઈરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાઈરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે.
તમને જણાવી દઈએ કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાઈરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) શું છે
હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) એ એક વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં, HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
શું HMPV એ COVID-19 જેવો જ છે?
HMPV ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. વાઇરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે. જ્યારે HMPV અને SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાઈરસ) અલગ-અલગ વાઇરલ સાથે સંબંધીત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાઇરસ મુખ્યત્વે માનવ શ્વસનતંત્રને નિશાન બનાવે છે, જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોવિડ-19ની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાઇરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાઇરસની જેમ, HMPV પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.
HMPV સંક્રમણને કેવી રીતે અટકાવવો?
HMPVના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
HMPV સંક્રમણ માટે સારવાર અથવા વેક્સિન
હાલમાં, HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાઇરલ સારવાર નથી. કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી. જો કોઈ વ્યક્તિને HMPV ચેપનાં લક્ષણો હોય, તો તેને પોતાને આઈસોલેટ કરવા અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.
શું HMPV એક નવી મહામારીનું સંકટ છે?
જ્યારે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન અન્ય મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે સંભવિત કટોકટીની સ્થિતિ વિશે આરોગ્ય અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. HMPV માટે કોઈ ચોક્કસ સારવાર અથવા વેક્સિન ઉપલબ્ધ નથી, વાઇરસ વિશે જાગૃતિ અને સાવચેતી તેના ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે.
શું ભારત HMPV સાથે લડવા તૈયાર છે?
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ ભારતમાં માનવ મેટાપ્યુમોવાઇરસ (HMPV)ના કોઈ કેસની પુષ્ટિ કરી નથી. NCDCના ડિરેક્ટર ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે HMPV સામાન્ય શરદીના વાઇરસ જેવું લાગે છે, જે બાળકો અને વૃદ્ધોમાં ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી, જેમ કે શરદી, ઉધરસ અને તાવ જેવાં લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો. તેમણે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી અને નિયમિત શરદી કે તાવ માટે દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
ડો.ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી. હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, સતર્કતા મહત્ત્વપૂર્ણ છે. નિષ્ણાતો સહમત છે કે ભારતમાં HMPVથી હાલમાં કોઈ તાત્કાલિક જોખમ નથી.