Chief Justice Of India : જસ્ટિસ બીઆર ગવઈ બન્યા દેશના 52માં CJI

By: Krunal Bhavsar
14 May, 2025

Chief Justice Of India : ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ 14 મે, 2025ના રોજ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને આ પદના શપથ લેવડાવ્યા. આ મહત્વપૂર્ણ પદ સંભાળતા પહેલા જસ્ટિસ ગવઈએ નમ્રતા દર્શાવતા સૌપ્રથમ તેમની માતા કમલતાઈ ગવઈના ચરણ સ્પર્શ કર્યા, જે એક હૃદયસ્પર્શી ક્ષણ હતી. જસ્ટિસ ગવઈનો કાર્યકાળ આગામી 23 નવેમ્બર, 2025 સુધી રહેશે, જે લગભગ 6 મહિનાનો હશે. તેમની નિમણૂકની ભલામણ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા કરવામાં આવી હતી, જેમનો કાર્યકાળ 13 મે, 2025ના રોજ સમાપ્ત થયો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા CJI પદના શપથ

જસ્ટિસ ગવઈની મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકેની નિમણૂકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી હતી, અને આ સમારોહમાં તેમને ખાસ સન્માનિત કરવામાં આવ્યા. આ નવા દાયિત્વ સાથે, જસ્ટિસ ગવઈ ભારતની ન્યાય વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ન્યાયના સિદ્ધાંતોને ઉચ્ચ રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમનો આ કાર્યકાળ દેશના ન્યાયિક ઇતિહાસમાં એક નોંધપાત્ર પ્રકરણ બનવાની અપેક્ષા છે.

 

લગભગ 6 મહિનાનો રહેશે કાર્યકાળ

17 જાન્યુઆરી, 2000 ના રોજ, બી.આર. ગવઈને નાગપુર બેન્ચ માટે સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 14 નવેમ્બર, 2003ના રોજ, તેમને હાઈકોર્ટના additional judge તરીકે બઢતી આપવામાં આવી. 12 નવેમ્બર, 2005ના રોજ, તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા. મુંબઈ ખાતે મુખ્ય બેન્ચ તેમજ નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતે તમામ પ્રકારના કાર્યભાર સાથેની બેન્ચનું અધ્યક્ષપદ સંભાળ્યું. 24 મે 2019 ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. ગવઈ 23 નવેમ્બર 2025 ના રોજ નિવૃત્ત થશે.

બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે 16 વર્ષ સુધી આપી સેવા

1960માં મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા જસ્ટિસ બી.આર. ગવઈએ નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને 1985માં વકીલાતની શરૂઆત કરી હતી. તેમની પ્રભાવશાળી કારકિર્દીમાં 2003માં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ, જ્યાં તેમણે 16 વર્ષ સુધી સેવાઓ આપી. 2019માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને ત્યારથી સામાજિક ન્યાય, માનવાધિકાર અને બંધારણીય મુદ્દાઓ પર મહત્વના ચુકાદા આપ્યા છે. તેમના આ નિર્ણયોએ ન્યાયિક ક્ષેત્રે તેમની ઊંડી સમજ અને પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે.

 


Related Posts

Load more