સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે (15મી ફેબ્રુઆરી)થી દેશભરના કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે. જેમાં ગુજરાત સહિત દેશભરની 30714 જેટલી સ્કૂલોના 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદની 89 સહિત સમગ્ર ગુજરાતની 680 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સીબીએસઈ દ્વારા દર વર્ષે 15મી ફેબ્રુઆરીથી ધોરણ10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરવામા આવે છે, ત્યારે આજે સીબીએસઈની ધોરણ 10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં આજે સવારે 10:30થી 1:30 ધોરણ 10માં પ્રથમ પેપર અંગ્રેજી કમ્યુનિકેટિવ અને અંગ્રેજી લેન્ગવેજ એન્ડ લીટરેચરનું લેવાશે, તેમજ ધોરણ 12માં પ્રથમ પેપર આંત્રપ્રિન્યોરશિપ વિષયનું લેવાશે. ધોરણ 10માં 18મી માર્ચ સુધી પરીક્ષા ચાલશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે, તેમજ વિદ્યાર્થી મોબાઈલ કે સ્માર્ટવોચ સાથે કેન્દ્રની અંદર પકડાશે તો પોલીસ કેસ નોંધાશે. તમામ સ્ટાફને પરીક્ષા માટે બોર્ડ દ્વારા ટ્રેઈન કરાયો છે.