ગુજરાત ભાજપ આજે આ 47 બેઠક પર ઉમેદવાર કરશે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જંગ ખેલાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો 108 ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાશે, જેમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ બેઠકમાં 182 બેઠક પર ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થશે. 182 બેઠક માટે ઉમેદવારોનાં નામો નક્કી કરવા ગુરુવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થવા જઈ રહી છે. આજે મળનારી બેઠકમાં 47 બેઠક પર ઉમેદવારો નક્કી થશે.

13 જિલ્લાની 47 બેઠક પર ઉમેદવારો નક્કી થશે
આજે મળનારી ભાજપની ચૂંટણીલક્ષી બેઠકમાં 13 જિલ્લાની 47 બેઠક પરના ઉમેદવારો નક્કી થશે, જેમાં મુખ્યત્વે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, વલસાડ, તાપી, નર્મદા, મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર બેઠક પરના ઉમેદવારોનું મંથન થશે. નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોનાં નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડને મોકલવામા આવશે. સ્ટેટ પાર્લમેન્ટરી બોર્ડમાં 14 સભ્યનો જ સમાવેશ થતો હતો. છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ તેમાં સમાવેશ થયો છે.

એક બેઠક પર 3થી 5 નામની પેનલ તૈયાર કરાશે
ગાંધીનગર સ્થિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના બંગલાની બહાર મોટો મંડપ બંધાયો છે. અગાઉ સ્ટેટ પાર્લમેન્ટરી બોર્ડમાં 14 સભ્ય હતા, જેમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, વિજય રૂપાણી, નીતિન પટેલ, બે પૂર્વ મંત્રી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સુરેન્દ્ર પટેલ, ત્રણ સાંસદ અનુક્રમે રાજેશ ચૂડાસમા, ડો.કિરીટ સોલંકી અને જશવંતસિંહ ભાભોર તેમજ પૂર્વ મેયર કાનજી ઠાકોર ઉપરાંત મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરડવાનો સમાવેશ કરાયો હતો. હવે કુલ 17 સભ્યો એક બેઠક ઉપર ત્રણથી પાંચ નામની પેનલ તૈયાર કરશે.

સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ 2 દિવસ ગુજરાતની મુલાકાતે
રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આજે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. સહપ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. તેઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં બેઠક કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe