ભાજપે 40 પટેલ,12 બ્રાહ્મણ,13 ઠાકોર,14 મિહાલઓ ને આપી વિઘાનસભાની ટીકિટ, એક પણ પ્રજાપતી ઉમેદવાર નથી

નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા તે પછી ગુજરાતમાં સત્તા તો ભાજપની રહી છે પરંતુ આઠ વર્ષમાં સરકાર કદી સ્થિર રહી શકી નથી. આનંદીબેનને પાટીદાર આંદોલન નડ્યું તો વિજય રૂપાણીએ કોવિડ મિસમેનેજમેન્ટનો ભોગ બનવું પડ્યું. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ અમુક મંત્રીઓના બફાટને લીધે સતત વિવાદમાં રહી. આવામાં ભાજપે 2022ની ચૂંટણી માટે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેનો ઉદ્દેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનો હોય તેમ લાગે છે. જેમાં યુવા નેતાગીરીને પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિનાં સમીકરણને પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવ્યા છે.

પાટીદાર-બ્રાહ્મણ-ક્ષત્રિય-મહિલાઓનું નોંધપાત્ર પ્રતિનિધિત્વ
ભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 40 પાટીદાર, 12બ્રાહ્મણ અને 13 ઠાકોર,14 મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવાનો પ્રયાસ કર્યો જો કે પ્રજાપતી સમાજને ટીકિટ આપી નથી. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિનાં સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે.

અમદાવાદમાં તો મ્યુનિ.ની કેડરને પ્રમોટ કરવાનો દાવ
અમદાવાદની 16માંથી 15 બેઠક પરના ઉમેદવારો જાહેર કરાયા છે. આમાંથી ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નિકોલમાંથી જગદીશ પંચાલ સિટિંગ ધારાસભ્યો છે જેમને રિપીટ કરાયા છે. જ્યારે ખાડિયા-જમાલપુરમાંથી ગત ચૂંટણીમાં હારવા છતાં ભૂષણ ભટ્ટને ટિકિટ આપી છે. અલબત્ત બાકીનો મોટાભાગનો લોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના સભ્યોનો છે. આમાં અમિત શાહ (એલિસબ્રિજ), અમૂલ ભટ્ટ (મણિનગર), દર્શના વાઘેલા (અસારવા), દિનેશ કુશવાહા (બાપુનગર), કૌશિક જૈન (દરિયાપુર)નો સમાવેશ થાય છે.

એલિસબ્રિજ-મણિનગર-અસારવાને સાચવી લીધી
એલિસબ્રિજ બેઠક પરથી અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ટિકિટ અપાઈ છે. અમિત શાહ 1995થી 2020 સુધીની ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે 2005-2008 સુધી તેઓ અમદાવાદના મેયર હતા. જ્યારે પૂર્વમાં ભાજપનો ગઢ ગણાતી મણિનગર બેઠક પર અમૂલ ભટ્ટને ટિકિટ મળી છે. તેઓ 2015થી 2020 સુધીની ટર્મના કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ 2018થી 2020 સુધીની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. અસારવા વિધાનસભા બેઠક પરથી મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલા પણ 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર હતા.

પ્રજાપતી સમાજની અવગણના

ભાજપે જાહેર કરેલ યાદીમાં એક પણ પ્રજાપતી સમાજના આગેવાનને ટીકિટ આપી નથી જેથી પ્રજાપતી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જો કે પ્રજાપતી સમાજે 10 ટીકિટની માંગ કરી હતી તેમ છતા પાર્ટીએ પ્રાજપતી સમાજના આગેવાન પર ભરોસો દેખાડયો નથી.

અમદાવાદમાં 3, રાજકોટમાં 2, સુરત-વડોદરામાં 1 મહિલાને ટિકિટ
ભાજપે આ વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે જ અમદાવાદમાં ગત વખતે જ્યાં એકેય મહિલાને ટિકિટ નહોતી મળી ત્યાં આ વખતે 3 મહિલાને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ 2 મહિલાને ઉમેદવારી અપાઈ છે. જ્યારે સુરત અને વડોદરા શહેરની ટિકિટ ફાળવણીમાં એક-એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe