આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતાં તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા છે.
મને ખ્યાલ નથી, હું તપાસમાં સપોર્ટ કરીશ – ડી. એસ. ગઢવી
આ અંગે આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે આવો કોઈ ઓર્ડર આવ્યો નથી. કયા વીડિયો અંગેની વાત છે એ મને ખ્યાલ નથી. બની શકે કે આઈટી રિલેટેડ કે પછી અન્ય કોઈ વીડિયો હોઈ શકે છે, પણ જો તપાસ કમિટી રચી હશે તો સરકારને હું પૂરતો સપોર્ટ કરીશ.
મહિલા અધિકારીઓની કમિટી રચાઈ
મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.